- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં કરવામાં આવ્યું વર્લ્ડકપનું આયોજન
- શ્રેયસ અય્યરના વર્લ્ડકપ રમવા પર સવાલ
એશિયા કપ બાદ 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડકપ શરૂ થશે. આ મેગા ઈવેન્ટને લઈ પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે ભવિષ્યવાણી કરી છે. ગંભીરને લાગી રહ્યું છે કે, મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાના કારણે વર્લ્ડકપ 2023ની ટીમમાં સામેલ થઈ શકશે નહીં. ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમની બહાર રહેલો અય્યર એશિયા કપમાં ફરી ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેના વર્લ્ડકપ રમવા પર સવાલ ઉઠી રહ્યા છે.
IPL પણ નહતો રમ્યો અય્યર
આ વર્ષના શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અય્યરને પીઠમાં ઈજા થઈ હતી અને તે 2023 ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થયો હતો. જો કે, આ ખેલાડીને ભારત-પાકિસ્તાન સુપર-4 મેચમાં ફરી ઈજા પહોંચી હતી. જો કે, એશિયા કપ શરૂ થયા પહેલાં અય્યર સંપૂર્ણફિટ થઈ ગયો હતો, પરંતુ ભારત-પાકિસ્તાન સુપર-4 મેચમાં તે ફરી ઈજાગ્રસ્ત થયો હતો.
ગૌતમ ગંભીરે અય્યરની ફિટનેસ પર ઉઠાવ્યા સવાલ
ગંભીરે કહ્યું કે, અય્યરની ફિટનેસ સમસ્યાના કારણે વર્લ્ડકપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે તેની પસંદગી કરવી અસંભવ છે. વધુમાં તેમણે કહ્યું કે, અય્યર લાંબા સમયથી ટીમથી બહાર હતો. જે બાદ એક મેચ રમીને ફરી અય્યર ઈજાગ્રસ્ત થયો છે. જેથી ટીમ મેનેજમેન્ટ આ મોટી ટૂર્નામેન્ટમાં ફરી તેના પર વિશ્વાસ મુકે તેવું મને લાગતું નથી. તમે આવનારા સમયમાં જોઈ શકશો કે, અય્યર વર્લ્ડકપ ટીમનો ભાગ હશે નહીં અને તેની જગ્યાએ અન્ય કોઈ ખેલાડી જોવા મળશે.
વર્લ્ડકપ પહેલાં ટીમમાં થઈ શકે ફેરફાર
અંતિમ વર્લ્ડકપ ટીમની જાહેરાત થવામાં હજુ 10 દિવસનો સમય બાકી છે. અય્યર પાસે 15 સભ્યોની ટીમમાં સામેલ થવા માટે સમય ઓછો છે. તે ભારત માટે છેલ્લી વનડે મેચ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની ઘરેલૂ સીરિઝમાં રમ્યો હતો. અય્યરે અત્યાર સુધી નંબર 4 પર બેટિંગ કરીને 46.60ની એવરેજથી 2 સદી અને 14 ફિફ્ટી ફટકારી છે.