- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં રમાશે વર્લ્ડકપ
- ભારતીય ટીમમાં 4 નંબરની સમસ્યા યથાવત્
5 ઓક્ટોબરે વનડે વર્લ્ડકપની શરૂઆત થશે. આ વર્ષે આ ટૂર્નામેન્ટનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારતીય ટીમની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીમ ઈન્ડિયા અત્યારે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમે ટેસ્ટ અને વનડે સીરિઝ રમી લીધી છે, જ્યારે અત્યારે 5 મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરની સમસ્યા હજુ પણ યથાવત્ છે. આ તમામ વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડકપ અને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર મોટું નિવેદન આપ્યું છે.
રોહિત શર્માએ શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને તક મળશે, તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે, પહેલાંથી કોઈ ખેલાડીનું સ્થાન નક્કી ન થઈ શકે. ટીમમાં મને સ્થાન મળશે, તે પણ હું કહી શકું નહીં. આ સાથે જ રોહિત શર્માએ સ્વીકાર કર્યો કે, ટીમ ઈન્ડિયામાં નંબર 4ની સમસ્યાનું હજુ સમધાન થયું નથી. રોહિત શર્મા અનુસાર, ભારતીય ટીમના અનેક ખેલાડી ઈજાગ્રસ્ત છે. જેથી અમારા માટે નંબર 4ના બેટ્સમેનની પસંદગી કરવી એ પડકારજનક રહેશે.
શ્રેયસ અને રાહુલ નંબર 4 માટે શ્રેષ્ઠ વિકલ્પ
ભારતીય કેપ્ટને કહ્યું કે, નંબર 4 માટે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે, પરંતુ અત્યારે બંને ખેલાડી મેદાનથી દૂર છે. જો કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ફેન્સ માટે સારા સમાચાર છે કે, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે. અત્યારે અય્યર અને રાહુલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રોહિત શર્માએ આશા વ્યક્ત કરી કે, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વર્લ્ડકપ સુધીમાં સંપૂર્ણ ફિટ થઈ જશે અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.