• ભારતે ટેબલ ટેનિસમાં સારી શરૂઆત કરી હતી
  • ગુજરાતના હરમીત દેસાઈની પ્રથમ રાઉન્ડમાં જીત
  • પ્રથમ રાઉન્ડમાં જોર્ડનના ઝાયેદ અબો યામનને હરાવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ટેબલ ટેનિસમાં સારી શરૂઆત કરી હતી. ગુજરાતના હરમીત દેસાઈએ એકતરફી જીત નોંધાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પદાર્પણ કરનાર હરમીતે વિશ્વમાં 538મા ક્રમે રહેલા જોર્ડનના ઝાયેદ અબો યામન સામે 4-0થી શાનદાર જીત નોંધાવી અને પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ

વિશ્વમાં ટોચના 100માં સ્થાન મેળવનાર 31 વર્ષીય હરમીત 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમોનો ભાગ રહ્યો છે. તેને તેના જોર્ડન હરીફ સામે તેની લય શોધવામાં લાંબો સમય લાગ્યો ન હતો. શરૂઆતની ગેમ સરળતાથી જીત્યા બાદ બીજી ગેમમાં તેમને કઠિન હરીફાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પછીની બે ગેમમાં તેઓ સરળતાથી જીતી ગયા હતા.

હરમીતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું

હરમીત આ મેચમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે શરૂઆતથી જ તેના વિરોધી અબો યમન પર દબાણ બનાવ્યું હતું. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ મેચમાં હરમીતે પોતાના જોર્ડન વિરોધીને ટકી રહેવા દીધો ન હતો. હરમીત ત્રણ તૈયારી ટૂર્નામેન્ટમાં રમીને અને જર્મનીમાં વ્યક્તિગત તાલીમ લીધા પછી ઓલિમ્પિકમાં આવે છે.

ભારતની બેડમિન્ટનમાં વિજય શરૂઆત

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. લક્ષ્યે મેન્સ સિંગલ્સની મેચમાં કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. લક્ષ્યે પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી અને તેણે કોર્ડનને કોઈ તક આપી ન હતી. જો કે, કોર્ડેને બીજી ગેમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે લક્ષ્યે કમબેક કર્યું અને એકતરફી રીતે આ ગેમ જીતી લીધી.

  • Follow us on: