- મહિલા T20 વર્લ્ડકપ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે
- આ પહેલા ભારતીય મહિલા ટીમ આફ્રિકા સામે સીરિઝ રમશે
- 16 જૂનથી બંને ટીમો વચ્ચે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ 16 જૂનથી ઘરઆંગણે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે 3 મેચની ODI સિરીઝ રમશે. આ સીરીઝની ત્રણેય મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ટીમના કોચ અમોલ મજુમદારે આ સિરીઝની શરૂઆત પહેલા એક મોટું નિવેદન આપ્યું છે જેમાં તેણે સ્પષ્ટ કહ્યું છે કે અમારું ધ્યાન ફિલ્ડિંગ અને ફિટનેસ સુધારવા પર વધુ છે. આફ્રિકા સામેની સિરીઝની શરૂઆત સાથે, મહિલા ટીમનું આગામી કેટલાક મહિનાઓ માટે ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે જેમાં તેણે T20 વર્લ્કકપ પણ રમવાનો છે.
સાઉથ આફ્રિકાની સિરીઝ મહત્વપૂર્ણ
સાઉથ આફ્રિકા સાથે વનડે સીરીઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયાએ એક ટેસ્ટ મેચ અને પછી 3 મેચની T20 સીરીઝ રમવાની છે. આ અંગે કોચ અમોલ મજુમદારે પોતાના નિવેદનમાં કહ્યું કે T20 વર્લ્ડકપ પહેલાની આ તમામ સિરીઝ મોટી ટૂર્નામેન્ટની તૈયારીઓના દૃષ્ટિકોણથી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. તે જ સમયે, અમારી પાસે બાંગ્લાદેશ જતા પહેલા આરામ કરવા માટે પૂરતો સમય છે, કારણ કે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ખૂબ જ સારી રીતે નિર્ધારિત છે અને મોટી ટૂર્નામેન્ટ પહેલા યોજાઈ રહી છે. આ વખતે એશિયા કપ પણ T20 ફોર્મેટમાં છે અને તેનાથી અમને આ ફોર્મેટમાં સાતત્ય મળશે અને અમે વર્લ્ડકપ માટે સારી તૈયારી કરી શકીશું.
વર્લ્ડકપમાં ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા
આ વખતે બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય મહિલા ટીમને ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે અને તેણે 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે તેની પ્રથમ મેચ રમવાની છે. આ સિવાય ટીમ ઈન્ડિયાનો મુકાબલો ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે પણ થશે. આ મેગા ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ 19 જુલાઈથી યોજાનાર મહિલા એશિયા કપમાં રમવાનું છે, જે આ વખતે T20 ફોર્મેટમાં રમાશે.