- એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ
- ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું
- ભારતીય બોલર્સે કર્યું શાનદાર પ્રદર્શન
એશિયન ગેમ્સ 2023માં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતે મહિલા ક્રિકેટના ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રીગ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. તિતાસ સાધુ અને રાજેશ્વરી ગાયકવાડે બોલિંગમાં કમાલ બતાવ્યો છે. ટીમ ઈન્ડિયાની આ રોમાંચક જીત માટે અમુક મહત્વના કારણ જવાબદાર છે. જેમાં એક કારણ ભારતીય બોલરનું સારૂં પ્રદર્શન છે. આ જીત માટે રાજેશ્વરી ગાયકવાડ અને તિતાસ સાધુની વિકેટ મહત્વની માનવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાએ બનાવ્યા હતા 116 રન
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 116 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય બોલરે શ્રીલંકાને 97 રન પર રોકી લીધું હતું. શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 97 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે હસીની પરેરા અને ડી સિલ્વાએ સારી પાર્ટનરશિપ કરી હતી. ડી સિલ્વાએ 23 રન અને પરેરાએ 25 રન બનાવ્યા હતા. પરેરાએ રાજેશ્વરી ગાયકવાડને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે મેચનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો. શ્રીલંકા માટે રાણાસિંધેએ 19 રનની ઈનિંગ રમી હતી. તેને દીપ્તિ શર્માએ આઉટ કરી હતી. આ વિકેટ પણ મહત્વની હતી.
મંધાના અને જેમિમાહની ઈનિંગ મહત્વની
ભારતની જીતમાં ઓપનર સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સની ઈનિંગ પણ મહત્વની હતી. આ બંને ઉપરાંત કોઈ બેટ્સમેન વધુ સમય ક્રીઝ પર ટકી શકી નહતી. આ બંને બેટ્સમેનના કારણે ભારતે 116 રન બનાવ્યા હતા. મંધાનાએ પોતાની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા, જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલ પર 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શેફાલી અને રૂચા ઘોષ 9-9 રન બનાવીને અને કેપ્ટન હરમનપ્રીત કૌર 2 રન બનાવીને આઉટ થઈ હતી.
સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું
ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટમાં ભારતે સીધી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમની પ્રથમ મેચ મલેશિયા વિરુદ્ધ હતી. જે વરસાદના કારણે પૂર્ણ થઈ શકી નહતી. જે બાદ ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. સાથે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.