- પૃથ્વી શોનું સપનું પૂર્ણ ન થયું
- શાનદાર ફોર્મ બાદ પૃથ્વી ઈજાગ્રસ્ત થયો
- ઈન્સ્ટાગ્રામ પર દુઃખી થવાની વાત કહી
લાંબા સમયથી ફોર્મમાં પરત આવવા માટે સંઘર્ષ કરનારા પૃથ્વી શોએ ઈંગ્લેન્ડમાં રમવામાં આવેલી વનડે કપમાં શાનદાર બેટિંગ કરી હતી. આ બેટિંગના કારણે તેમની ટીમ ઈન્ડિયામાં વાસપીની સંભાવના વધી હતી, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન જ તે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેની ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની આશા ફરી તૂટી છે. જે બાદ સોશિયલ મીડિયા પર પૃથ્વી શોનું દર્દ છલકાયું છે.
વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવવા માંગતો હતો પૃથ્વી
પૃથ્વી શો ઓક્ટોબર મહિનામાં થનારા વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવા માંગતો હતો. ભારત માટે વર્લ્ડકપ રમવું એ પૃથ્વીનું સપનું હતું, પરંતુ ઈજાના કારણે તેના સપના પર બ્રેક લાગી છે. જેનાથી તે દુઃખી છે. આ તમામ વચ્ચે પૃથ્વી શોએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, જ્યારે તમે જીવનમાં આગળ વધો છો, ત્યારે લોકો તમારી મદદ કરે છે, પરંતુ તમે નીચે જાવ છો, તો લોકો તમારો સાથ છોડી દે છે.
લંડન વનડે કપમાં હતું શાનદાર ફોર્મ
ઉલ્લેખનીય છે કે, લંડન વનડે કપમાં પૃથ્વી શો શાનદાર ફોર્મમાં હતો. જેને જોઈને અંદાજ લગાવવામાં આવતો હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેની પસંદગી થઈ શકે છે. લંડન વનડે કપમાં તેમણે નોર્થ હેમ્પટનશાયર તરફથી રમીને 224 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
ફિટ થવામાં લાગશે 2 મહિનાનો સમય
આ ઈનિંગ બાદ તેમનામાં આત્મવિશ્વાસ જોવા મળતો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, પૃથ્વીને ફિટ થવામાં અંદાજે 2 મહિનાનો સમય લાગશે. પૃથ્વી શોએ વનડે કપની 4 ઈનિંગમાં 429 રન બનાવ્યા હતા.