- ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાયા છે
- મેઘના જાંબુચા મુળ રાજકોટની છે
- પતિ-પત્ની બંને ક્રિકેટર છે
ભાવનગરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાયા છે. મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી.
તસવીર શેર કરી આપી હતી માહિતી
ચેતન સાકરિયાએ 5 ડિસેમ્બરે 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને સગાઈની જાહેરાત કરી હતી. ચેતન સાકરિયાએ કેપ્શન લખ્યું હતું કે "સાથે મળીને સર્વશ્રેષ્ઠ પગલું લઈ રહ્યા છીએ અને અમે કાયમ માટે નિર્ણય લીધો છે,"
ગુજરાત સાથે ખાસ ક્નેક્શન
ચેતન સાકરિયા ગુજરાતના ભાવનગરથી 15 કિમી દૂર વરતેજ નામના ગામનો રહેવાસી છે. તેના ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. એક સમયે તે ચપ્પલ પણ ખરીદી શકતો ન હતો. સાકરિયાને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો, પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને અને ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો કરે. તેથી જ તેમને સાકરિયાના ક્રિકેટ રમવાનો સખત વિરોધ કર્યો. પરંતુ તેની મામાએ તેને સ્ટેશનરીની દુકાનમાં નોકરી અપાવવામાં મદદ કરી અને તેની ટ્યુશન ફી ચૂકવી. આ રીતે તેને અભ્યાસની સાથે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.
સંઘર્ષથી ભરપૂર છે તેની સ્ટોરી
તેને 16 વર્ષની ઉંમર સુધી કોઈપણ પ્રકારનું ક્રિકેટ કોચિંગ મળ્યું ન હતું, તે પહેલા તે ટેનિસ બોલ ક્રિકેટ રમીને પોતાની જાતને ટ્રેનિંગ આપતો હતો. શરૂઆતમાં ચેતન સાકરિયા બેટ્સમેન બનવા માંગતો હતો, પરંતુ બાદમાં તેનો રસ ફાસ્ટ બોલિંગ તરફ વળ્યો. ત્યારબાદ, સર ભાવસિંહજી ક્રિકેટ એકેડમીના કોચે તેની પ્રતિભા જોઈને તેને એકેડમીમાં જોડાવા કહ્યું. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી શેલ્ડન જેક્સને તેના માટે એક નવા શૂઝ ખરીદ્યા અને તેને તાલીમ આપવામાં મદદ કરી. ત્યારબાદ સાકરિયાને એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં જવાનો મોકો મળ્યો. આ પછી સાકરિયાએ અંડર-19માં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેતન સાકરિયાનો 28 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 85 વિકેટ સાથે તેનો ખૂબ જ પ્રભાવશાળી સ્થાનિક રેકોર્ડ છે. તેને 23 લિસ્ટ-એ મેચમાં 37 વિકેટ પણ લીધી છે. જ્યારે ટી20 ફોર્મેટમાં તેણે 46 મેચમાં 65 વિકેટ ઝડપી છે.
ચેતન સાકરિયાનું આઈપીએલ કરિયર
2022 આઈપીએલની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડ રૂપિયાની બોલી લગાવીને ચેતન સાકરિયાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સાકરિયાએ દિલ્હી માટે 2022 અને 2023 આઈપીએલ સિઝન રમી હતી. પરંતુ તેને વધુ રમવાની તક મળી ન હતી અને બે સિઝનમાં તેણે માત્ર 5 મેચ રમી હતી અને 6 વિકેટ લીધી હતી. બે સિઝનમાં કંઈ ખાસ ન કર્યા પછી, દિલ્હીએ તેને છોડી દીધો. 2024ની આઈપીએલની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેતન સાકરિયાને 50 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.
ચેતન સાકરિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર
જૂન 2021માં, ચેતન સાકરિયાનો શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતની વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાકરિયાએ 23 જુલાઈ 2021 ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે તેની વનડે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભાનુકા રાજપક્ષેના રૂપમાં તેની પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી અને 38 રનમાં કુલ 2 વિકેટ લીધી. આ પછી તેને 28 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે ટી20 ડેબ્યૂ કર્યું. તે મેચમાં તે પોતાના સ્પેલમાં એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ત્યારપછી સાકરિયા ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે અને હાલમાં તે ટીમની બહાર છે.













