• બેન સ્ટોક્સ બાદ જો રૂટે પણ છોડ્યું IPL
  • જો રૂટ IPL 2024માં રમતો જોવા મળશે નહીં
  • IPL 2023માં જો રૂટે કર્યું હતું ડેબ્યૂ

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ બાદ પૂર્વ કેપ્ટન જો રૂટે પણ IPL નહીં રમવાનો નિર્ણય લીધો છે. તેણે આ નિર્ણય IPL 2024 માટે રિટેન્શન લિસ્ટની સમયમર્યાદા પહેલા લીધો છે. ઉલ્લેખનીય છે કે, તે રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. તેણે છેલ્લી સિઝનમાં જ IPLમાં ડેબ્યૂ કર્યું હતું. IPL 2023 માટે યોજાયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે જો રૂટને 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. જો કે, ગત સિઝનમાં તેને માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી. આ ત્રણ મેચમાં તેણે 15 બોલનો સામનો કર્યો અને કુલ 10 રન બનાવ્યા હતા.

કુમાર સંગાકારાએ શું કહ્યું?

રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ડાયરેક્ટર કુમાર સંગાકારાએ એક નિવેદન જારી કરીને જો રૂટના નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ખેલાડીઓને જાળવી રાખવાની ચર્ચા વચ્ચે જો રૂટે અમને જણાવ્યું કે તે આગામી IPL સિઝનમાં ભાગ નહીં લે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે ખૂબ જ ટૂંકા સમય માટે અમારી સાથે રહ્યો, પરંતુ આ સમય દરમિયાન તેણે ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓ વચ્ચે સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. અમે તેની ઊર્જા ગુમાવીશું.

રોયલ્સે બીજું શું ખાસ લખ્યું?

જો રૂટને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા રાજસ્થાન રોયલ્સ વતી લખવામાં આવ્યું હતું કે, 02 વર્ષીય રૂટ રાજસ્થાન રોયલ્સની ટીમમાં અનુભવ લાવ્યો હતો. ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓએ રૂટના અનુભવમાંથી ઘણું શીખ્યા છે. સાથી ખેલાડીઓ જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલ સાથેનું તેમનું જોડાણ રાજસ્થાન રોયલ્સ સાથેના તેમના સમયની સૌથી મહત્વપૂર્ણ યાદો બની રહેશે.

દેવદત્ત પડીક્કલ પણ રાજસ્થાનમાં નહીં જોવા મળે

રાજસ્થાન રોયલ્સ માટે આગામી સિઝનની તૈયારી માટે આ બીજું અપડેટ હતું. આ પહેલાં આ ફ્રેંચાઈઝી લખનઉ સુપર જાયંટ્સ સાથે એક ટ્રેડ પણ કરી ચૂક્યું છે. જેમાં દેવદત્ત પડીક્કલ અને આવેશ ખાનની અદલા-બદલી કરવામાં આવી હતી.

  • Follow us on: