- IPL 2024 પહેલાં લખનઉ સુપર જાયંટ્સના સપોર્ટ સ્ટાફમાં જોવા મળ્યો ફેરફાર
- ગૌતમ ગંભીરે 2024 IPL પહેલાં રાજીનામું આપ્યું
- દ્રવિડ IPLની આગામી સિઝન માટે બની શકે લખનઉ સુપર જાયંટ્સના મેન્ટોર
IPL 2024 પહેલાં લખનઉ સુપર જાયંટ્સના સપોર્ટ સ્ટાફમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 2023 સુધી ટીમના મેન્ટોર રહેલા ગૌતમ ગંભીરે 2024 IPL પહેલાં રાજીનામું આપી દીધું છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ દ્રવિડ IPLની આગામી સિઝન માટે લખનઉ સુપર જાયંટ્સના મેન્ટોર બની શકે છે.
ગંભીરે કોલકાતામાં કરી છે વાપસી
રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડ 2024 IPLમાં લખનઉ સુપર જાયંટ્સના મેન્ટોર બની શકે છે. આ ફેરફાર ગૌતમ ગંભીરના રાજીનામા બાદ જોવા મળી શકે છે. ગંભીરે તાજેતરમાં પોતાની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં વાપસી કરી છે. કેકેઆરના પૂર્વ કેપ્ટન ગંભીર આ વખતે ટીમ સાથે મેન્ટોર તરીકે જોડાઈ શકે છે.
લખનઉના મેન્ટોર બની શકે દ્રવિડ
આ પહેલાં અમુક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જો BCCI રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ આગળ નહીં વધારે, તો તે લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર બની શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 બાદ રાહુલ દ્રવિડનો ભારતીય કોચ તરીકેનો કાર્યકાળ પણ પૂર્ણ થયો હતો. જો કે, હજુ આ વાતને લઈ કોઈ પ્રકારની અધિકૃત જાણકારી સામે આવી નથી કે, રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે કે પછી ફેરફાર જોવા મળશે.
અત્યારે વીવીએસ લક્ષ્મણ છે ભારતના કોચ
અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી T-20 સીરિઝ માટે વીવીએસ લક્ષ્મણ ભારતના કોચ છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, શું BCCI રાહુલ દ્રવિડને આગળ પણ કોચ રાખશે કે, પછી તે લખનઉ સુપર જાયંટ્સના મેન્ટોર બને છે.
2023માં આવું રહ્યું હતું લખનઉ સુપર જાયંટ્સનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, 2023ના IPLમાં લખનઉ સુપર જાયંટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રહી હતી. ટીમે 14માંથી 8 લીગ મેચ પોતાના નામે કરી હતી. જો કે, લખનઉને એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે હાર સહન કરવી પડી હતી. લખનઉ સાથે એવું પ્રથમ વખત થયું નથી કે જ્યારે તેમણે એલિમિનેટર મેચ ગુમાવી છે. આ પહેલાં 2022માં પણ લખનઉની ટીમ એલિમિનેટર મેચ હારી હતી. આ સમયે લખનઉની ટીમે RCBને હરાવ્યું હતું.