- IPLની 7મી મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાશે
- ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
- જર્સી પર લિકર બ્રાન્ડનો લોગો દર્શાવવાનો ઇનકાર
IPL 2024માં 26મી માર્ચે એટલે કે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સાથે રમવા જઈ રહી છે. આ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. આ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના એક ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. જે હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, ટીમના કોર્પોરેટ સ્પોન્સર SNJ લિકર બ્રાન્ડ્સનો લોગો CSK જર્સી પર સ્પષ્ટપણે દેખાય છે. પરંતુ CSK ખેલાડીઓએ તેમની જર્સી પર આલ્કોહોલિક ઉત્પાદનોના નામ દર્શાવવાનો ઇનકાર કર્યો છે.
જર્સી પર લિકર બ્રાન્ડનો લોગો દર્શાવવાનો ઇનકાર
બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. પહેલી જ મેચમાં મુસ્તાફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. રહેમાનની જર્સીની પસંદગી પર તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ. મુસ્તફિઝુરે પોતાની જર્સી પર આલ્કોહોલિક પ્રોડક્ટના નામ દર્શાવવાનો ઇનકાર કર્યો છે. જે બાદ મુસ્તફિઝુર રહેમાનને લિકર બ્રાન્ડના લોગોવાળી જર્સી ન પહેરવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ પહેલા પણ ખેલાડીઓ ના પાડી ચૂક્યા છે
મુસ્તાફિઝુર પ્રથમ ખેલાડી નથી જેણે તેની ધાર્મિક માન્યતાઓને કારણે તેની જર્સી પર આલ્કોહોલ બ્રાન્ડનો લોગો પહેરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ, હાશિમ અમલા, ઇમરાન તાહિર, મોઇન અલી અને રાશિદ ખાન જેવા ક્રિકેટરોએ પણ તેમની ધાર્મિક માન્યતાઓને ટાંકીને દારૂ અથવા અન્ય નશાકારક ઉત્પાદનોના લોગોવાળી જર્સી પહેરવાનો ઇનકાર કર્યો હતો.
મુસ્તાફિઝુર રહેમાનનું શાનદાર પ્રદર્શન
IPL 2024ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL 2024 ની પહેલી જ મેચમાં, મુસ્તફિઝુર રહેમાને સાબિત કર્યું કે CSKએ શા માટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રથમ મેચમાં મુસ્તફિઝુર રહેમાને વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, ફાફ ડુ પ્લેસીસ અને રજત પાટીદારને પેવેલિયનમાં મોકલ્યા હતા.