- દ.આફ્રિકાના ફાસ્ટ બોલરને ટીમમાં કરાયા સામેલ
- ટૂર્નામેન્ટમાં લિજાદ વિલિયમ્સને લઈને લેવાયો મોટો નિર્ણય
- ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂકના રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ કરાયા
આઈપીએલમાં સતત હારથી પરેશાન દિલ્હી કેપિટલ્સની ટીમે ટૂર્નામેન્ટમાં અધવચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સે દ. આફ્રિકાના ફાસ્ટ બોલર લિજાદ વિલિયમ્સને ટીમની સાથે જોડી દીધો છે. આ ફાસ્ટ બોલર લિજાદ વિલિયમ્સને ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂકના રિપ્લેસમેન્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટની વચમાં લીધો મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. દિલ્હીની ટીમે આ પોસ્ટમાં ફેન્સને જાણકારી આપી કે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લિજાદ વિલિયમ્સને ઈંગ્લેન્ડના બોલર હેરી બ્રૂકના રિપ્લેસમેન્ટના રૂપમાં ટીમમાં લીધો છે. આ ખેલાડીએ અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા માટે 17 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઉલ્લેખનીય છે કે લિજાદ વિલિયમ્સ આઈપીએલમાં પહેલી વાર ભાગ લઈ રહ્યા છે.
ભારત સામે રમી હતી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ
લિજાદ વિલિયમ્સે દક્ષિણ આફ્રિકાને માટે અત્યાર સુધી 2 ટેસ્ટ, 4 વનડે અને 11 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. લિજાદ વિલિયમ્સે ટેસ્ટમાં 3 વિકેટ, વનડેમાં 5 વિકેટ અને ટી20 ઈન્ટરનેશનલમાં 16 વિકેટ લીધી છે. લિજાદ વિલિયમ્સે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ભારતની સામે ડિસેમ્બર 2023માં રમી હતી. જો કે આઈપીએલ 2024ની શરૂઆત થતાં જ હેરી બ્રૂકે કેટલાક પર્સનલ કારણોને લઈને ટૂર્નામેન્ટથી પોતાનું નામ પરત લીધું હતું. જો કે હવે દિલ્હી કેપિટલ્સે તે ખાલી જગ્યાને ભરી દીધી છે.
મિશેલ માર્શ એક અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર
આ સમયે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ હેમસ્ટ્રિંગના કારણે એક અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. દિલ્હી કેપિટલ્સના મદદગાર કોચ પ્રવીણ આમરેએ આ ટીમ માટે ચિંતાજનક વાત ગણાવી છે. તેઓએ કહ્યું કે અમારા કેટલાક ખેલાડી ઘાયલ છે અને મિશેલ માર્શની ઈજા ચિંતાજનક છે. ફિઝિયો એક અઠવાડિયામાં રિપોર્ટ આપશે પછી અમને યોગ્ય સ્થિતિનો ખ્યાલ આવશે કે તે સીઝન રમી શકશે કે નહીં. બધી વાત રિપોર્ટ પર આધારિત રહે છે.