- બુધવારે એલિમિનેટર મેચ બાદ કરી જાહેરાત
- ગ્લોવ્સ ઉતારીને ચાહકો અને આરસીબી ટીમનો માન્યો આભાર
- કાર્તિકે 16 વર્ષમાં કુલ 257 મેચ રમી છે
RCBની ટીમ બુધવારે એલિમિનેટર મેચમાં ફરી એકવાર ફ્લોપ રહી હતી. અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો. આ મેચ બાદ RCBના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે મેચ બાદ ગ્લોવ્સ ઉતારીને ચાહકો અને આરસીબી ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્તિકે અગાઉ પણ નિવૃત્તિનો સંકેત આપ્યો હતો.
ધોની પહેલા ડેબ્યૂ કર્યું હતું
દિનેશ કાર્તિકે એમએસ ધોની પહેલા ડેબ્યુ કર્યું હતું. તેણે 2008માં દિલ્હી ડેરડેવિલ્સથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કાર્તિક 16 વર્ષમાં 6 ટીમો તરફથી રમ્યો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામ સામેલ છે.
ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા
દિનેશ કાર્તિકે પણ આ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કાર્તિકના નામે 250થી વધુ મેચ રમવાનો રેકોર્ડ છે. આ યાદીમાં કાર્તિક બીજા સ્થાને છે. તેણે 16 વર્ષમાં 257 મેચ રમી છે. આ યાદીમાં એમએસ ધોની 264 મેચ સાથે પ્રથમ સ્થાને છે. આ સાથે દિનેશ કાર્તિક એવા ખેલાડીઓની યાદીમાં સામેલ છે, જેમાં તેણે વિકેટકીપિંગમાં 100થી વધુ વિકેટ લીધી છે.
IPL કરિયરમાં 4500થી વધુ રન બનાવ્યા
કાર્તિક એક એવો બેટ્સમેન પણ છે જેણે વિકેટકીપર તરીકે 4 હજારથી વધુ રન બનાવ્યા છે. કાર્તિકે તેની IPL કરિયરમાં 4842 રન બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો 10મો ખેલાડી છે. કાર્તિકે તેની IPL કારકિર્દીમાં 22 અડધી સદી પણ ફટકારી હતી.
આ સીઝનમાં શાનદાર ફોર્મ બતાવ્યું
આ સીઝનની વાત કરીએ તો કાર્તિક શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 15 મેચમાં 36.22ની એવરેજ અને 187.36ની સ્ટ્રાઈક રેટથી 326 રન બનાવ્યા. જેમાં બે અડધી સદી સામેલ હતી. કાર્તિકે આ સિઝનમાં 27 ફોર અને 22 સિક્સર ફટકારી હતી. IPLની ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે.