- KKRએ હૈદરાબાદને 8 વિકેટે હારાવીને ચેમ્પિયન બન્યું
- આ સાથે કોલકાતાએ IPLમાં ત્રીજી વખત ટાઈટલ જીત્યું
- સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ
IPL 2024ની ફાઈનલ મેચમાં KKRએ હૈદરાબાદને 8 વિકેટે હારાવીને ચેમ્પિયન બન્યું છે. આ સાથે કોલકાતાએ IPLમાં ત્રીજી વખત ટાઈટલ જીત્યું છે. આ મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 10.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ પહેલા ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં KKRએ 2012 અને 2014માં ટ્રોફી જીતી હતી.
હૈદરાબાદની ઈનિંગ
IPL 2024 ની ફાઈનલ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલની ફાઈનલ મેચમાં આ સૌથી ઓછો સ્કોર છે. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 02 અને રાહુલ ત્રિપાઠી 9 રન બનાવીને આઉટ થયા હતા. હેનરિક ક્લાસને 16 રન અને એડન માર્કરામે 20 રન બનાવ્યા હતા. કેકેઆરના બોલરો સામે હૈદરાબાદના કોઈપણ બેટ્સમેનને સફળતા મળી ન હતી.
કોલકાતાની ઈનિંગ
114 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ વિકેટ 11 રનના સ્કોર પર ગુમાવી હતી. સુનિલ નારયણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રહેમાનઉલ્લા ગુરબાઝ અને વેંકેટશ ઐયરે ઈનિંગને સંભાળીને ટીમને જીત તરફ દોરી હતી. રહેમાનઉલ્લા ગુરબાઝે 32 બોલમાં 5 ફોર અને 2 સિકસની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. વેંકેટશ ઐયરે 26 બોલમાં 4 ફોર અને 3 સિકસની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની વાત કરવામાં આવે તો પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદને1-1 સફળતા મળી હતી.