• મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ
  • રોહિત T20 ક્રિકેટમાં રચી શકે છે ઈતિહાસ

IPL 2024ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ રોમાંચક મેચ માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને IPLની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. આ બંને IPL ઈતિહાસની સૌથી મોટી ટીમો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં 5-5 વખત IPL ટ્રોફી જીતી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઈતિહાસ રચવાની અણી પર છે. રોહિત આવું કરનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે.

રોહિત T20 ક્રિકેટમાં રચી શકે છે ઈતિહાસ

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત કંઈ ખાસ રહી નથી, ટીમને તેની પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં મુંબઈએ સતત બે મેચ જીતીને વાપસીના સંકેત આપ્યા હતા. અત્યાર સુધી દરેક મેચમાં રોહિત શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગના દમ પર મુંબઈને ઝડપી શરૂઆત અપાવી છે. હવે આ મેચમાં રોહિત એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે જેનાથી તે 3 સિક્સ દૂર છે. આ મેચમાં 3 સિક્સર ફટકારીને રોહિત T20 ક્રિકેટમાં 500 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. T20 ક્રિકેટમાં હજુ સુધી કોઈ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

રોહિત શર્માની T20 કારકિર્દી

રોહિત શર્મા અત્યાર સુધી 431 T20 મેચ રમી ચૂક્યો છે. જેની 418 ઇનિંગ્સમાં તેના બેટમાંથી 11312 રન આવ્યા છે. આ દરમિયાન તેણે 74 ફિફ્ટી અને 7 સદી ફટકારી છે. જેમાં રોહિતના બેટમાંથી 497 સિક્સર આવી છે. રોહિતે 1017 ફોર પણ ફટકારી છે.


  • Follow us on: