• દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીને લઈને રવિ શાસ્ત્રી નારાજ

  • ભારતે ક્યારેય બે મેચની સીરીઝ રમવી જોઈએ નહીં
  • રોહિત શર્માએ પણ બે મેચની ટેસ્ટ શ્રેણીને લઈને નિવેદન આપ્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીને લઈને રવિ શાસ્ત્રી ગુસ્સે છે. રવિ શાસ્ત્રીના ગુસ્સાનું કારણ કેપટાઉનની ખરાબ પિચ નથી, પરંતુ પૂર્વ ભારતીય મુખ્ય કોચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા પર નારાજગી વ્યક્ત કરી છે. શાસ્ત્રીએ તો બીસીસીઆઈને સૂચન પણ કર્યું છે કે જો કોઈ દેશ તેમને બે મેચની સિરીઝ રમવા માટે આમંત્રણ આપે તો તેમને સ્પષ્ટપણે ના પાડી દેવી જોઈએ.

રવિ શાસ્ત્રી કેમ ગુસ્સે થયા?

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, "ટેસ્ટ સીરીઝ જોયા પછી, ભારતીય ક્રિકેટે નક્કી કરવું જોઈએ કે તેમણે ક્યારેય બે મેચની સીરીઝ રમવી જોઈએ નહીં. જો કોઈ દેશ બે મેચની ટેસ્ટ સીરીઝ માટે આમંત્રણ આપે છે, તો તેમને સ્પષ્ટપણે જણાવો કે અમે નહીં આવીયે. બે મેચની ટેસ્ટ શ્રેણી માત્ર સમયનો બગાડ છે. આવી સિરીઝમાં આપણે ના અહીંના કે ના ત્યાના રહીયે છીયે. T20 ઈન્ટરનેશનલ સાથે ટેસ્ટ મેચ રમવા પર કે વનડે અને ટેસ્ટ મેચ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે સરળતાથી ત્રણ T20 અને ત્રણ ટેસ્ટ મેચ રમી શક્યો હોત."

રોહિતે બે મેચની સિરીઝ પર નિવેદન આપ્યું

કેપટાઉનમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ બે મેચની ટેસ્ટ શ્રેણીને લઈને નિવેદન આપ્યું છે. રોહિતે કહ્યું હતું કે, "તે અમારા હાથમાં નથી. બે કે ત્રણ મેચ, શેડ્યૂલ ગમે તે હોય, અમારે આવીને રમવાનું છે, અમારા હાથ બંધાયેલા છે. જો તે મારા હાથમાં હોત તો મેં કદાચ કંઈક અલગ કર્યું હોત."

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ ડ્રો કરી

સેન્ચુરિયનમાં શરમજનક હાર બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ કેપટાઉનમાં જોરદાર રમત રમી હતી. ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે તબાહી મચાવી હતી અને છ વિકેટ ઝડપી હતી અને સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમને માત્ર 55 રનમાં જ ધકેલી દીધી હતી. બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહની સ્પીડનો જાદુ જોવા મળ્યો અને તેણે યજમાન ટીમના છ બેટ્સમેનોને આઉટ કર્યા. 2010 બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે.

  • Follow us on: