- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં રમવામાં આવશે વર્લ્ડકપ
- ઈંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચરને રિઝર્વ ખેલાડી તરીકે મળ્યું સ્થાન
ICC વનડે વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે વધુ સમય બચ્યો નથી. મોટા ભાગની ટીમોએ પોતાના 15 સભ્યોના ખેલાડીની જાહેરાત કરી દીધી છે. જેમાં ગત વિજેતા ઈંગ્લેન્ડની ટીમ પણ સામેલ છે. ભારતની મેજબાનીમાં આ વખતે વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. જે 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બર સુધી ચાલશે. આ તમામ વચ્ચે ઈંગ્લેન્ડે વર્લ્ડકપ ટીમમાં 2019ની વિજેતા ટીમનો ભાગ રહેલા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપ્યું છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ફેરફારની આપી માહિતી
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી 18 સપ્ટેમ્બરે આપી હતી. આ પહેલાં ઈંગ્લેન્ડે વનડે વર્લ્ડકપ માટે પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં જોફ્રા આર્ચરને સ્થાન મળ્યું નહતું. વર્ષ 2019માં ટીમને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારો આર્ચર અત્યારે ઈજાગ્રસ્ત થયો છે અને તે રિહેબની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યો છે.
હૈરી બ્રૂકને મળ્યું સ્થાન, જેસન રોય થયો બહાર
વનડે વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડે પોતાની જે ફાઈનલ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, તેમાં ઈંગ્લેન્ડે આક્રામક બેટ્સમેન હૈરી બ્રૂકને સ્થાન આપ્યું છે. સાથે ઓપનિંગ બેટ્સમેન જેસન રોયને સ્થાન આપ્યું નથી. આ પહેલાં જ્યારે ઈંગ્લેન્ડની વર્લ્ડકપ માટે શરૂઆતી ટીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જેસન રોયને સ્થાન આપ્યું હતું.