- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં કરવામા ંઆવ્યું વર્લ્ડકપનું આયોજન
- વર્લ્ડકપને લઈ ગિલક્રિસ્ટે કરી ભવિષ્યવાણી
વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમવામાં આવશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 ઓક્ટોબરે રમશે. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે ટૂર્નામેન્ટને લઈ દિલચસ્પ ભવિષ્યવાણી કરી છે. ગિલક્રિસ્ટે જણાવ્યું કે, કઈ 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. તેમણે આ લિસ્ટમાં ભારત-પાકિસ્તાનનું નામ પણ સામેલ કર્યું છે.
આ 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે
ભારતે તાજેતરમાં એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને સરળતાથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી નહતી. ગિલક્રિસ્ટે આ બંને ટીમને સેમીફાઈનલની લિસ્ટમાં સામેલ કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને પણ સેમીફાઈનલના લિસ્ટમાં સ્થાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝમાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેનું ઓવરઓલ પરફોર્મન્સ સારૂં હતું. ઓસ્ટ્રેલિયાએ T-20 સીરિઝમાં 3-0થી જીત મેળવી હતી.
ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ રમશે
ભારત વર્લ્ડકપ 2023 પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમશે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝની શરૂઆતી 2 મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપ્યો છે. આ બંને ખેલાડી લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે. જેથી વર્કલોડ ઓછો કરવા માટે આ બંને ખેલાડીને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોહિત અને વિરાટ વનડેની અંતિમ મેચમાં રમશે. જે બાદ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપ મેચમાં રમશે.
19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. સાથે પ્રથમ સેમીફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતામાં રમવામાં આવશે. સેમીફાઈનલ પહેલાં ભારતીય ટીમ છેલ્લી મેચ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. આ મેચ 12 નવેમ્બરે બેંગલોરમાં રમવામાં આવશે.