- કેન વિલિયમસન IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ હતો
- મેચમાં ફીલ્ડિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો
- વિલિયમસનના સ્થાને ગુપ્ટિલને ટીમમાં સામેલ કરી શકાય છે
ઈજાના કારણે કેન વિલિયમસનનું ODI વર્લ્ડ કપ રમવું શંકાના દાયરામાં છે, પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચે તેના પર એક મોટું અપડેટ આપ્યું છે. વિલિયમસન વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે, તે ટીમનો મેન્ટર બની શકે છે. જોકે, કોચે તે વાતને નકારી ન હતી કે તે વર્લ્ડ કપમાં પણ રમી શકે છે. કેન વિલિયમસનનો IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મેચમાં ફીલ્ડિંગ કરતી વખતે તે પહેલાથી જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, ત્યારબાદ તે મેદાન પરથી પાછો ફર્યો હતો. આ પછી તે IPLમાંથી બહાર થઈ ગયો હતો. તે ક્રૉચની મદદથી પોતાના દેશ પરત ફર્યો હતો, જેને જોઈને ફેન્સે પણ તેને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે તેના વિશે એક મોટું અપડેટ આપ્યું છે.

કોચે કેન વિલિયમસન અંગે અપડેટ આપ્યું
પાકિસ્તાન સામેની પાંચ મેચની ODI સીરિઝ પહેલા મુખ્ય કોચ સ્ટેડે કહ્યું, કેન વિલિયમસનનું ઓપરેશન કરવું પડ્યું હતું અને હવે અમારી પાસે માહિતી છે કે તેનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. તેથી તે ટૂંક સમયમાં રિહેબ શરૂ કરવાની સ્થિતિમાં હશે. કોચે કહ્યું કે, કેન વિલિયમસન વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ થવાની આશા ઓછી છે. પરંતુ અમે નથી ઈચ્છતા કે આવા વર્લ્ડ ક્લાસ ખેલાડી ટીમથી દૂર રહે. તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે પણ ભારત જઈ શકે છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. તે 50 ઓવરના ફોર્મેટમાં હશે. એક રિપોર્ટ અનુસાર, વર્લ્ડ કપની મેચો 12 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. જોકે, તેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ બાકી છે. આઈસીસીએ વર્લ્ડ કપનું શેડ્યૂલ ઘણું વહેલું જાહેર કર્યું હતું, પરંતુ બીસીસીઆઈને હજુ સુધી સરકાર તરફથી મંજૂરી મળી નથી, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે.

કેન વિલિયમસનનું સ્થાન માર્ટિન ગુપ્ટિલ લઈ શકે છે
માર્ટિન ગુપ્ટિલને ન્યૂઝીલેન્ડે તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જાળવી રાખ્યો નથી પરંતુ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ અને હાલમાં RCB ટીમ સાથે સંકળાયેલા માઈક હેસનનું માનવું છે કે વિલિયમસનના સ્થાને ગુપ્ટિલને સામેલ કરી શકાય છે. માર્ટિન ગુપ્ટિલ પાસે ઘણો અનુભવ છે, તે તાજેતરમાં પીએસએલમાં રમ્યો છે. તે પીએસએસએલમાં ક્વેટા ગ્લેડીયેટર્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 38.75ની એવરેજથી 310 રન બનાવ્યા.