- પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્ક માટે વિસ્ફોટક ઈનિંગ્સ રમી
- લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને 4 વિકેટથી હરાવ્યું હતું
- પોલાર્ડે એવી સિક્સર ફટકારી કે મેચ બાદ માંગવી પડી માફી
મેજર ક્રિકેટ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્કના કેપ્ટન કિરોન પોલાર્ડે એવી સિક્સર ફટકારી કે મેચ બાદ તેણે માફી માંગવી પડી હતી. આ મેચમાં કિરોન પોલાર્ડની ટીમે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ટીમ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને 4 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે 19.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્કે 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
શા માટે માંગવી પડી માફી?
કિરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્ક માટે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. તેણે માત્ર 12 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. પોલાર્ડે પોતાની ઇનિંગમાં 2 ફોર અને 3 સિકસર ફટકારી હતી. કિરોન પોલાર્ડે મિડ-વિકેટ વિસ્તારમાં સિક્સર ફટકારી હતી, જેમાં બોલ મહિલા દર્શકના ખભા પર વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ મહિલા પીડાથી રડતી જોવા મળી હતી.
જો કે મહિલા બોલને ટાળવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહી હતી. મેચ બાદ જ્યારે કિરોન પોલાર્ડને આ વાતની ખબર પડી તો તેણે મહિલાને મળવાનું નક્કી કર્યું. આ પછી, કિરોન પોલાર્ડ પોતે મહિલા પાસે ગયો અને તેની માફી માંગી હતી.
પતિની પણ માંગી માફી
કિરોન પોલાર્ડે માત્ર મહિલાની જ નહીં પરંતુ તેના પતિની પણ માફી માંગી હતી. પોલાર્ડે મહિલાના પતિને કહ્યું કે તે તેની પત્નીનું ધ્યાન રાખે. આ પછી કિરોન પોલાર્ડે પતિ-પત્ની બંને સાથે સેલ્ફી લીધી અને પોતાની કેપ પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો.