• કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 71મી સદી
  • ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું
  • T20માં 100 સિક્સર પૂરી કરવાની સિદ્ધિ મેળવી

વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નોંધાવેલી 71મી સદીની મદદથી ભારતે અહીં રમાયેલી એશિયા કપ T20 ટૂર્નામેન્ટના સુપર-4 તબક્કાની લીગ મેચમાં અફઘાનિસ્તાનને 101 રનથી હરાવીને વિજય સાથે અભિયાન પૂરું કર્યું હતું. ભારતના બે વિકેટે 212 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર અફઘાન ટીમ આઠ વિકેટે 111 રન નોંધાવી શકી હતી. ઇબ્રાહિમ ઝદરાને અણનમ 64 રન બનાવ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં ચાર રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.


2019ની 23મી નવેમ્બરે છેલ્લી સદી ફટકારી હતી

કોહલીએ બાંગ્લાદેશ સામે રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં (2019ની 23મી નવેમ્બર) છેલ્લે સદી ફટકારી હતી. તેણે 70મીથી 71મી સદી સુધી પહોંચવા માટે 1020 દિવસનો સમય લીધો હતો. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ 71મી સદી નોંધાવી છે. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 250 સિક્સર પણ પૂરી કરી હતી અને તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 17મો ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સચિન, ગાંગુલી, ધોની, યુવરાજ અને રોહિત પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.


T20માં કોહલીની 100 સિક્સર પૂરી કરી

કોહલીએ ઇનિંગની બીજી સિક્સર ફટકારવાની સાથે T20 ઇન્ટરનેશનલમાં 100 સિક્સર પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. તે વિશ્વનો 10મો ક્રિકેટર બની ગયો છે. કોહલીએ T20 ફોર્મેટમાં 300 પ્લસ બાઉન્ડ્રી ફટકારી છે.

  • Follow us on: