- પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીની નીચલા સ્તરની હરકત
- અફઘાન બોલર ફરીદ એહમદને છાતીમાં મુક્કો માર્યો
- અમ્પાયરે વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો
એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં બુધવારે ભારે રસાકસી બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનને સુપર-4ના મુકાબલામાં એક વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ કરેલી હરકતના કારણે ક્રિકેટની તસવીરને હાનિ પહોંચી છે. મેચમાં પાકિસ્તાની બેટ્સમેન આસિફે અફઘાનિસ્તાનના બોલર ફરીદ એહમદ મલિક સામે બેટ ઉઠાવીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ક્રિકેટ જગતમાં સન્નાટો છવાયો હતો. અફઘાનિસ્તાનની ટીમે આસિફ અલીને પ્રતિબંધિત કરવા માટે આઇસીસીને આગ્રહ કર્યો છે.

આસિફે બેટ ઉઠાવ્યું-મુક્કો પણ માર્યો
આસિફે માત્ર બેટ જ નહોતું ઉઠાવ્યું, તેણે ફરીદને મુક્કો પણ માર્યો હતો. આસિફની આ હરકત શરમજનક હતી અને ચોમેરથી તેની ટીકા થઈ રહી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સુકાની ગુલબદીન નૈબે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે આસિફે મેદાનની વચ્ચે મૂર્ખામીભર્યું વર્તન કર્યું છે અને તેને ટૂર્નામેન્ટમાં બાકી રહેલી મેચો માટે સસ્પેન્ડ કરી દેવો જોઈએ. કોઈ પણ બોલર બેટ્સમેનની વિકેટ ઝડપ્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરવા માટેનો હક ધરાવે છે. આ સ્થિતિમાં આસિફને વધારે પડતો આક્રમક અભિગમ દાખવવાની જરૂર નહોતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ પણ પાકિસ્તાની ક્રિકેટર આસિફ સામે આકરાં પગલાં ભરે તેવા સંકેત મળ્યા છે.

2021માં પણ આસિફની હરકત બાદ થયો વિવાદ
એક વર્ષ પહેલાં 2021ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ચર્ચાનો વિષય બની હતી. આ મેચમાં પાકિસ્તાની ખેલાડી આસિફ અલીએ ટીમના વિજય બાદ ગનફાયર કરતો હોય તેવી રીતે બેટ સ્ટેડિયમ તરફ તાકીને ઉજવણી કરી હતી. તે સમયે પણ મોટો વિવાદ સર્જાયો હતો. આ પ્રકારની કોઈ પણ વિનિંગ સ્ટાઇલ ક્રિકેટમાં ચલાવી લેવામાં આવતી નથી. આસિફ અલીને હરકત કોઈ સામાન્ય નહોતી પરંતુ તે કોઈ આતંકવાદીની હોય તેવી હતી.