- રોહિત શર્મા અને કુલદિપ યાદવ વચ્ચે ઉગ્ર બોલચાલી
- કુલદીપ અને રોહિત વચ્ચે રિવ્યુ ન લેવા પર દલીલ થઈ
- ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ, જેને ચાઈનામેન તરીકે ઓળખવામાં આવે છે, તે સામાન્ય રીતે ખૂબ જ શાંત છે, પરંતુ ગઈકાલે રાત્રે તે અલગ મૂડમાં જોવા મળ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કુલદિપ યાદવ અને રોહિત શર્મા વચ્ચે ઉગ્ર બોલચાલી થઇ હતી. આ દ્રશ્ય ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 24મી ઓવરમાં જોવા મળ્યું હતું.
રિવ્યુ ન લેવા પર દલીલ
ભારત તરફથી 22મી ઓવર નાખવા કુલદિપ યાદવ આવ્યો હતો. આ ઓવરમાં લિયામ લિવિંગસ્ટોન કુલદીપનો એક બોલ સંપૂર્ણપણે ચૂકી ગયો હતો. આ બોલ પેડ સાથે અથડાયો અને કુલદીપે LBW માટે જોરદાર અપીલ કરી હતી. અમ્પાયરે અહીં નોટ આઉટનો સંકેત આપ્યો હતો. આ પછી કુલદીપે કેપ્ટન રોહિતને રિવ્યૂ લેવા માટે પણ કહ્યું પરંતુ રોહિતે તેમ કર્યું નહીં. બાદમાં 24મી ઓવરમાં આ બોલનો રિપ્લે બતાવવામાં આવ્યો હતો. જ્યારે મેદાનમાં મોટી સ્ક્રીન પરના રિપ્લેમાં લિવિંગસ્ટોનને સ્પષ્ટ રીતે આઉટ દેખાડવામાં આવ્યો ત્યારે કુલદીપ સીધો રોહિત પાસે ગયો અને રિવ્યુ ન લેવા અંગે ફરિયાદ કરી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ પછી રોહિત પણ તેના પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. અંતે કુલદીપ તેની ફિલ્ડ પોઝિશન પર પાછો ફર્યો. આ દરમિયાન કોમેન્ટેટર્સ પણ એવું કહેતા સાંભળવા મળ્યા કે તમે કેપ્ટન સાથે દલીલ ન કરી શકો, તે જ ટીમની પસંદગી કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ભારત પોઇન્ટ ટેબલમાં ટોપ પર
કુલદીપ યાદવે 5 ઓવર બાદ લિવિંગસ્ટોનને પેવેલિયન રસ્તો બતાવ્યો હતો. તેણે 30મી ઓવરના બીજા બોલ પર લિવિંગસ્ટોનને LBW આઉટ કર્યો. ભારતીય ટીમે આ મેચ 100 રનના જંગી અંતરથી જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોંચી ગઈ છે.