- PCBએ T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
- પૂર્વ સ્ટાર ક્રિકેટર મહોમ્મદ આમિર ટીમ સિલેકશનથી નાખુશ
- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી
પાકિસ્તાનના પૂર્વ સ્ટાર બોલર મોહમ્મદ આમિરે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ પાકિસ્તાનની T20 વર્લ્ડકપ ટીમને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મહોમ્મદ આમિરે પાકિસ્તાનની T20 વર્લ્ડકપ ટીમને બકવાસ ગણાવી હતી અને આ ટીમમાં વર્લ્ડકપ જીતવાનો દમ નથી એવું જણાવ્યું હતું. PCBએ 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી જેને લઇ વિવાદિત સ્ટાર ફાસ્ટ બોલરે નારાજગી દર્શાવી હતી.
PCBએ 15 સભ્યોની ટીમ જાહેર કરી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે ICC T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન બાબર આઝમને સોંપવામાં આવી છે, જ્યારે શાદાબ ખાનને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયેલા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ મોહમ્મદ વસીમ જૂનિયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપમાં સરેરાશ પ્રદર્શન કરનાર ફખર ઝમાનને ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ તેને રીઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામ આવ્યો છે.
પાકિસ્તાનની પ્રથમ મેચ ભારત સામે
પાકિસ્તાનને ભારત, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને બે ક્વોલિફાયર રમનારી ટીમ સાથે જોડી દેવામાં આવ્યું છે. 23 ઓક્ટોબરે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કટ્ટર હરીફ ભારત સામે રમશે.

T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ:
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, હૈદર અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરીસ રઉફ, શાહીન આફ્રિદીદા, આસિફ અલી, શાન મહમૂદ, ઉસ્માન કાદિર
રીઝર્વ ખેલાડીઓ: ફખર ઝમાન, મોહમ્મદ હેરિસ, શાહનવાઝ દહાની