- મોહમ્મદ શમી વર્લ્ડકપ બાદ ઇજાના કારણે ટીમની બહાર છે
- IPLમાં શમી ગુજરાત ટાઇટન્સનો ભાગ છે
- શમી કમબેક કરવા માટે જીમમાં પરસેવો પાડી રહ્યો છે
IPL 2024માં ચાહકો મોહમ્મદ શમીને ખૂબ જ મિસ કરતા હતા. ભારતીય ઝડપી બોલર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ છે. ટૂર્નામેન્ટની છેલ્લી સીઝન (IPL 2023)માં ગુજરાતના ફાસ્ટ બોલરે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. પરંતુ આ દિવસોમાં તે ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે, જેના કારણે તે IPL 2024નો ભાગ બની શક્યો નથી. પરંતુ હવે તે જલ્દી પરત આવી શકે છે. શમીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે.
ઇજાના કારણે બહાર છે શમી
ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપ 2023 બાદથી શમી વાપસી કરી શક્યો નથી. તેણે પોતાની છેલ્લી મેચ ODI વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી. શમી પણ વર્લ્ડકપમાં ઈજા સાથે રમ્યો હતો. બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ODI વર્લ્ડકપની મેચો બાદ દર્દના કારણે ઈન્જેક્શન લેતો હતો. તેની એડીમાં ઈજા થઈ હતી.
શમીના વર્લ્ડકપમાં રમવાને લઇ BCCIનું નિવેદન
ભારતીય ઝડપી બોલરે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ આ ઈજા માટે સર્જરી કરાવી હતી, જેમાંથી તે હવે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. શમીની ઈજા અંગે અપડેટ આપતાં BCCIએ કહ્યું હતું કે, તે IPL પછી યોજાનારા T20 વર્લ્ડકપમાં રમી શકશે નહીં.
કમબેક કરવા માટે પરસેવો પાડી રહ્યો છે શમી
હવે શમી ઈજામાંથી પરત ફરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તે સર્જરીમાંથી લગભગ સાજો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શમી સપ્ટેમ્બર સુધીમાં પરત ફરી શકે છે. જો કે તેમની વાપસી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.