- નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને અપસેટ સર્જ્યો
- ભારત પોઇન્ટ ટેબલમાં નંબર વન પર યથાવત
- સાઉથ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે
ODI વર્લ્ડકપ ઉત્સાહ વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં બે મોટી ઉથલપાથલ જોવા મળી છે. નેધરલેન્ડે ODI વર્લ્ડકપની 15મી મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને વધુ એક અપસેટ સર્જ્યો છે. નેધરલેન્ડની જીતે પોઈન્ટ ટેબલનું આખું ગણિત બદલી નાખ્યું છે. આનાથી ભારતને પણ ઘણો ફાયદો થયો છે.
નેધરલેન્ડે આફ્રિકાને હરાવ્યું
નેધરલેન્ડનો વિજય ભારત માટે ભેટ સમાન સાબિત થયો છે. સાઉથ આફ્રિકાની હારને કારણે ભારત હજુ પણ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર યથાવત છે. આ મેચ પહેલા સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ ભારત કરતા સારો હતો, તેથી જો આફ્રિકા આ મેચ જીતી ગયું હોત તો ભારત નંબર વનમાંથી દૂર થઈ ગયું હોત. પરંતુ નેધરલેન્ડે મોટો અપસેટ સર્જ્યો છે અને ભારતનું સ્થાન જાળવી રાખ્યું છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ હજી પણ બીજા સ્થાને છે. આ પછી, સાઉથ આફ્રિકા હજી ત્રીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને છે.
નેધરલેન્ડ બોલિંગ સામે આફ્રિકા ઘુંટણીએ
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે 43 ઓવરમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમે આફ્રિકાને 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નેધરલેન્ડ માટે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 78 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. આ પછી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરુઆત ખુબ જ નબળી રહી હતી. નેધરલેન્ડની બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ઘુંટણીએ પડી ગયા હતા. સાઉથ આફ્રિકા આ મેચ 38 રનથી હારી ગયું હતું.
સાઉથ આફ્રિકા સામે વર્લ્ડકપમાં 5 વખત અપસેટ સર્જાયો
સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા T20 વર્લ્ડકપ 2022માં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રને હારાવ્યું હતું. સાઉથ આફ્રિકાને વર્લ્ડકપમાં અત્યાર સુધી 5 વખત અપસેટનો સામનો કરવો પડ્યો છે. આફ્રિકાને પ્રથમ વખત વર્લ્ડકપ 1999માં ઝિમ્બાબ્વે સામે 48 રને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપ 2007 અને 2019માં બાગ્લાંદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.