સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી જીતીને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વન-ડે ફોર્મેટમાં તે કંગારુઓ પર ભારે પડે છે. 22 મી ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ મેકેના ગ્રેટ બેરિયર રીફ એરિના ખાતે રમાયેલી બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાએ યજમાન ટીમને 84 રને હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો. આ જીત સાથે, સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે સતત પાંચમી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ મેથ્યુ બ્રીત્ઝકેના 88 અને ટ્રિસ્ટન સ્ટબ્સના 74 રનની મદદથી 277 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયાની ટીમ 37.4 ઓવરમાં 193 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં વિકેટકીપર જોશ ઈંગ્લિસના 87 રન પણ નિરર્થક સાબિત થયા હતા.


બોલરોએ કરી ધમાલ

આ મેચમાં સાઉથ આફ્રિકાની જીતનો મુખ્ય શ્રેય તેમના બોલરોને જાય છે. ખાસ કરીને ઝડપી બોલર લુંગી એનગિડીએ શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, સેનુરન મુથુસામી અને નાન્દ્રે બર્ગરને પણ બે-બે વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા માટે બોલિંગમાં સ્પિનર ​​એડમ ઝામ્પાએ 3 વિકેટ લીધી હતી. આ જીત સાથે, સાઉથ આફ્રિકાએ તાજેતરમાં મળેલી ટી-20 શ્રેણીની હારનો બદલો પણ લઈ લીધો છે. નોંધનીય છે કે, નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં, ભારતીય મૂળના એઇડન માર્કરમે સાઉથ આફ્રિકાની કેપ્ટનશિપ સંભાળી હતી અને ટીમને શાનદાર જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાની કારમી હાર

સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનું તાજેતરનું પ્રદર્શન ચિંતાજનક છે. આ સતત પાંચમી શ્રેણી હાર છે અને છેલ્લા 10 દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાંથી આઠમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ઓવરઓલ પ્રદર્શનની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ તેમના છેલ્લા આઠ વન-ડેમાંથી માત્ર એક જ મેચ જીતી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયન ટીમનું ફોર્મ વન-ડે ફોર્મેટમાં નબળું ચાલી રહ્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા એક મજબૂત ટીમ તરીકે ઉભરી રહી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 24મી ઓગસ્ટના રોજ મેકે ખાતે જ રમાશે.


  • Follow us on: