માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતના યશસ્વી જયસ્વાલે સારી શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઓપનર તરીકે આવેલા યશસ્વી જયસ્વાલે કે.એલ. રાહુલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 94 રન ઉમેર્યા હતાં. કે.એલ. રાહુલના આઉટ થયા બાદ પણ યશસ્વી જયસ્વાલે જબરદસ્ત ઈનિંગ રમીને એક રેકોર્ડ સર્જ્યો હતો. જેને છેલ્લા 50 વર્ષમાં કોઈ ભારતીય ક્રિકેટર બનાવી શક્યો નથી.
પ્રથમ ઈનિંગમાં 107 બોલમાં 58 રન કર્યા
પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં 107 બોલમાં 58 રન કર્યા હતાં. જેમાં તેણે 10 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી પોતાની ઈનિંગને યાદગાર બનાવી હતી. જેનાથી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં છેલ્લા 51 વર્ષમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. માન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ હંમેશા બેટ્સમેન માટે પડકારજનક રહ્યું છે. અહીં ફાસ્ટ અને બાઉન્સ પીચ પર ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કરવો સરળ કાર્ય નથી.
જયસ્વાલે 51 વર્ષ પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરી
યશસ્વી જયસ્વાલ પહેલા સુનીલ ગાવસ્કરે ભારતીય ઓપનર તરીકે આ મેદાન પર અડધી સદી ફટકારી હતી. પરંતુ સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ 1974માં મેળવી હતી. એટલે કે, જયસ્વાલે 51 વર્ષ પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે આ ઇનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા હતાં. તેણે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે 1 સદી અને 2 બેવડી સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી છે. તેણે 66.86 ની સરેરાશથી આ રન બનાવ્યા છે.તેણે અત્યાર સુધી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ફક્ત 2089 રન બનાવ્યા છે. જેમાંથી અડધા રન તેણે ફક્ત ઈંગ્લેન્ડ સામે જ બનાવ્યા છે.