ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક પ્રેસ નિવેદન જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ હવે 2031 સુધી ઈંગ્લેન્ડમાં જ રમાડાશે. આ ઈવેન્ટનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂઆતથી જ કરાય છે અને હવે તે આગામી ત્રણ એડિશન જેમ કે 2027, 2029 અને 2031 સુધી ચાલુ રહેશે.સિંગાપોરમાં થયેલી આઈસીસીની બેઠક બાદ એક પ્રેસ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ત્રણ ફાઈનલો રમાઈ ચૂકી છે
સિંગાપોરમાં મળેલી ICCની બેઠક બાદ એક પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2027, 2029 અને 2031માં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનું આયોજન ઈંગ્લેન્ડને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નિર્ણય પાછળ કેટલાક કારણો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ક્રિકેટ ઈંગ્લેન્ડનો ગઢ ગણાય છે. અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ત્રણ ફાઈનલો રમાઈ ચૂકી છે. આ ત્રણેય મેચ ઈંગ્લેન્ડમાં જ રમાઈ છે.
પહેલી ફાઈનલ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ હતી
2021માં પહેલી ફાઈનલ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સાઉથેમ્પટનમાં રમાઈ હતી. જ્યારે 2023માં ફાઈનલ મેચ ઓવલમાં રમાઈ હતી. આ વખતે લોર્ડ્સ જેવા ઐતિહાસિક મેદાનમાં આ મેચ રમાઈ હતી. ICCએ જાહેર કરેલી પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે, બોર્ડે તાજેતરની ફાઇનલનું આયોજન કરવાના સફળ ટ્રેક રેકોર્ડના આધારે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને 2027, 2029 અને 2031 એડિશન માટે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાની તક આપી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની શરૂઆત 2019માં થઈ હતી
ટેસ્ટ ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની શરૂઆત 2019માં થઈ હતી. જે વન ડે અને ટી 20ના ફોર્મેટ વચ્ચે ટેસ્ટ ક્રિકેટને જાળવી રાખવાનો એક પ્રયાસ છે. દર બે વર્ષે થતી આ ફાઈનલમાં વિશ્વની બે શ્રેષ્ઠ ટેસ્ટ ટીમો વચ્ચે ટક્કર થાય છે. અત્યાર સુધીમાં ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ ફાઈનલમાં વિજય મેળવ્યો છે.