ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે. પર્થમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે આ મેચ સિરીઝમાં ટકી રહેવા માટે 'કરો યા મરો' સમાન છે. એડિલેડમાં ભારતીય ટીમનો ભૂતકાળનો રેકોર્ડ સારો રહ્યો છે, જેના કારણે કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ આશાવાદી છે. પર્થની તુલનામાં એડિલેડની પિચ સંતુલિત (Balance) માનવામાં આવે છે, જે બેટ્સમેનો તેમજ સ્પિનરો બંનેને મદદ કરી શકે છે. આ સંજોગોમાં, ભારતીય ટીમ પ્લેઇંગ-11માં એક વધારાના સ્પિનરને સામેલ કરે તેવી પ્રબળ સંભાવના છે, જેમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવની વાપસી લગભગ નિશ્ચિત છે.


પ્લેઇંગ-11માં કોણ અંદર, કોણ બહાર?

કુલદીપ યાદવની ટીમમાં એન્ટ્રી સાથે, નીતિશ કુમાર રેડ્ડી અથવા વોશિંગ્ટન સુંદર, આ બેમાંથી કોઈ એક ખેલાડીને બહાર બેસવું પડી શકે છે. નીતિશ રેડ્ડીએ પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ બેટ અને બોલ બંનેથી તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી તરફ, વોશિંગ્ટન સુંદર ટીમને સંતુલન આપે છે અને ઉપયોગી સ્પિનર સાબિત થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ માટે આ એક અઘરો નિર્ણય હશે, પરંતુ કુલદીપના આવવાથી સ્પિન આક્રમણ મજબૂત બનશે. એટલે કે, કેપ્ટન ગિલ બીજા વનડેમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવ સાથે મેદાનમાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટા બદલાવ અને સંભવિત પ્લેઇંગ-11

જ્યાં ભારત એક બદલાવ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે, ત્યાં ઓસ્ટ્રેલિયન ટીમમાં બે ફેરફાર લગભગ નક્કી છે. અનુભવી વિકેટકીપર એલેક્સ કેરી અને લેગ-સ્પિનર એડમ ઝમ્પા આ મેચમાં જોશ ફિલિપ અને મેથ્યુ કુહનમેનની જગ્યાએ પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. આ બદલાવો ઓસ્ટ્રેલિયાને મિડલ ઓવર્સમાં સ્પિન અને અનુભવના દમ પર સિરીઝ પર કબ્જો કરવામાં મદદ કરશે. એડિલેડ ODI માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11માં કુલદીપ યાદવનો સમાવેશ થતાં નીતિશ રેડ્ડીની જગ્યાએ તે જોવા મળી શકે છે.

એડિલેડ ODI માં ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ-11 : ટ્રેવિસ હેડ, મિચલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, મેથ્યુ રેનશૉ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચલ ઓવેન, કૂપર કોનોલી, મિચલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા અને જૉશ હેઝલવુડ.

એડિલેડ ODI માં ભારતની સંભવિત પ્લેઇંગ-11 : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.


  • Follow us on: