ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી વનડે આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. શુભમન ગિલના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પહેલી વન-ડે 4 વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે તેઓ રાજકોટમાં બીજી વન-ડે જીતીને સીરિઝમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જોકે, ભારતની પ્લેઇંગ 11 પહેલી મેચ કરતા અલગ હશે.આનું કારણ એ છે કે સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે સીરિઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. BCCI એ તેના સ્થાને આયુષ બદોનીનું નામ આપ્યું છે. પરિણામે બીજી વન-ડે માટે ભારતના પ્લેઇંગ-11માં સુંદરની જગ્યાએ કોણ આવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
શું આયુષ બદોની પોતાનું ડેબ્યૂ કરશે?
વોશિંગ્ટન સુંદર ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં બોલિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. પાંચ ઓવર ફેંક્યા પછી તે મેદાન છોડીને ચાલ્યો ગયો, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ કે તે બેટિંગમાં પાછો નહીં ફરે. જોકે, 93 રન પર વિરાટ કોહલીના આઉટ થયા પછી જ્યારે વિકેટો પડવા લાગી ત્યારે વોશિંગ્ટન સુંદર 8મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે સાત બોલમાં સાત રન બનાવ્યા. જોકે, રન લેતી વખતે તે અસ્વસ્થ દેખાતો હતો. મેચ પછી તેનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં ખુલાસો થયો કે તેનું સ્કેન થયું હતું અને પાંસળીમાં દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે તે સીરિઝમાંથી બહાર થઈ ગયો.બીસીસીઆઈએ સુંદરના સ્થાને 26 વર્ષીય આયુષ બદોનીને ટીમમાં સામેલ કર્યો હતો. હવે, બીજી વનડેમાં એવી શક્યતા છે કે દિલ્હીના આ ક્રિકેટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમનાર આયુષને રાજકોટમાં બીજી વનડે માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. જો આયુષને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં ન આવે તો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સુંદરનું સ્થાન લેશે.













