કિસ્મતનું પાનું ક્યારે નસીબ આગળથી હટી જાય અને ક્યારે જીવનને બદલવાની સુવર્ણ તક પ્રાપ્ત થાય એનું ક્યારેય કઈ નક્કી નથી હોતું, પણ હા સતત મહેનત કરવી એ મનુષ્ય જીવન માટે ચોક્કસ નક્કી બાબત કહી શકાય છે. કઈક એવીજ રિતે ભારતીય ટીમના એક ખેલાડીએ સખત મહેનત કરીને તેની કિસ્મત બદલી નાખી છે.
સાઈ સુદર્શનની શાનદાર વાપસી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં એક યુવા ખેલાડીને ટીમમાં પદાર્પણ કારવાનો એટલે કે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો, પરંતુ ભાગ્યની ગતિ આ ખેલાડી માટે ભાગ્યશાળી રહી ન હતી અને પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં લીડ્સ ખાતે ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો અને ભારતીય ટીમના હેડ કોચને આ યુવા ખેલાડીને ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો.
સાઈ સુદર્શને આ પગલું ભર્યું
કોઈ પણ આશાસ્પદ યુવા ખેલાડી માટે ભારતની ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ મેચમાંજ બહાર થઈ જવું એ એક ખરાબ સ્વપ્નથી વધારે બીજું કઈના હોઈ શકે. સાઈ સુદર્શન પોતાની પ્રથમ ડેબ્યૂ મેચમાં ચોક્કસથી નિષ્ફળ ગયા હતા પરંતુ તેમણે આ ઘટના બાદ હિંમત ન હતી હારી અને ટીમમાં ફરીવાર વાપસી કરવા માટે સખત પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. સાઈ સુદર્શને ટીમમાં પોતાના વાપસી અંગે મોટો ખુલાસો કરતાં કહ્યું કે ડેબ્યુ મેચમાં ફ્લોપ સાબિત થયા બાદ મેં મારી માનસિકતા બદલી અને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
મેચ બાદ સુદર્શને કર્યો ખુલાસો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઇના રોજ માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી દીપ દાસ ગુપ્તાને આપેલા ઇન્ટરવ્યુમાં સાઈ સુદર્શને ભારતીય ટીમમાં વાપસી અંગે પોતાના મનની વાત ખૂલીને કરી હતી. સુદર્શને ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે હું લીડ્સ ટેસ્ટ મેચ પછી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર હતો, ત્યારે હું ખૂબ જ નિરાશ થયો હતો, કારણ કે હું દરેક મેચ રમવા માંગતો હતો, મને ટીમની બહાર રહેવું નથી ગમતું અને એટલા માટે સખત મહેનત ચાલુ રાખી અને આખરે મારી વાપસી થઈ.