ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા ભારતને ફટકો પડયો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. રાજકોટમાં વિજય હજારે ટ્રોફી દરમિયાન તીવ્ર દુખાવો થતા તેમણે ટેસ્ટિક્યુલર ટોર્સિયન સર્જરી કરાવી છે. સ્ટાર ક્રિકેટર તિલક વર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેમના ફેન્સ વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સર્જરી બાદ ક્રિકેટર તિલક વર્માની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
તિલક વર્માએ સર્જરી બાદ હેલ્થ અપડેટ શેર કરી
રાજકોટમાં સર્જરી બાદ તિલક વર્માએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની હેલ્થ અપડેટ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં ક્રિકેટરે એક ફોટો શેર કરતાં સાથે કેપ્શન લખ્યું હું બહુ જલદી પાછો આવીશ. વધુમાં તિલકએ લખ્યું, આપ બધાના પ્રેમ માટે આભાર. મેં મારી રિકવરી શરૂ કરી દીધી છે અને હું ટૂંક સમયમાં મેદાન પર પાછો આવીશ." જોકે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની બાકીની બે મેચોમાં તિલક વર્મા વાપસી કરશે કે નહીં તે તાલીમ અને ફિટનેસ ટેસ્ટ પર આધારિત રહેશે. તિલક વર્મા સર્જરીના કારણે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20I શ્રેણીની પહેલાની ત્રણ મેચ ગુમાવશે.













