ભારતની દિવ્યા દેશમુખે FIDE ચેસ મહિલા વર્લ્ડ કપ 2025માં ટાઈબ્રેકરમાં દેશબંધુ કોનેરુ હમ્પીને હરાવી. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતીને દિવ્યા ગ્રાન્ડમાસ્ટર બની, જે ટુર્નામેન્ટની શરૂઆતમાં અશક્ય લાગતું હતું.


દિવ્યા દેશમુખ ગ્રાન્ડમાસ્ટર બનનારી માત્ર ચોથી ભારતીય મહિલા અને 88મી ખેલાડી છે. દિવ્યા દેશમુખે નાની ઉંમરે મોટી સફળતા મેળવી છે. બે ક્લાસિકલ મેચ ડ્રો થયા બાદ દિવ્યા દેશમુખે ટાઈબ્રેકર જીત્યો.

દિવ્યા દેશમુખે ટાઈ બ્રેકર જીત્યું

દિવ્યા દેશમુખે સમય-નિયંત્રિત ટાઈબ્રેકરની પહેલી ગેમમાં વ્હાઈટ મોહર સાથે રમીને કોનેરુ હમ્પીને ડ્રો પર રોકી હતી. બીજી ગેમમાં બ્લેક મોહર સાથે રમીને દિવ્યા દેશમુખે બે વખતની વિશ્વ રેપિડ ચેમ્પિયનને 2.5-1.5 થી હરાવી અને ટાઈટલ જીત્યું. તે FIDE ચેસ મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની.


દિવ્યા દેશમુખે કહી આ વાત

દિવ્યા દેશમુખે કહ્યું કે મને વિજયને સમજવા માટે સમયની જરૂર છે. મને લાગે છે કે આ રીતે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મળ્યો તે મારા નસીબની વાત હતી, કારણ કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં મારી પાસે એક પણ (ગ્રાન્ડમાસ્ટર) નોર્મ ન હતો અને હવે હું ગ્રાન્ડમાસ્ટર છું.

દિવ્યા દેશમુખ ભારતની બની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર

તાજેતરના સમયમાં પુરુષોની ચેસમાં ઘણી સફળતા મળી છે, જેમાં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ, આર પ્રજ્ઞાનંધ અને અર્જુન એરિગેસી જેવા ખેલાડીઓ સતત સારા પરિણામો આપી રહ્યા છે. દિવ્યા દેશમુખ હવે કોનેરુ હમ્પી, ડી હરિકા અને આર વૈશાલી સાથે દેશની ગ્રાન્ડમાસ્ટર મહિલાઓની લિસ્ટમાં જોડાય છે.

મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચીને દિવ્યાએ આગામી વર્ષની કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં પણ સ્થાન મેળવ્યું હતું, જે નક્કી કરશે કે મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની વિશ્વ ચેમ્પિયન જુ વેનજુન સામે કોણ ટકરાશે. દિવ્યા પોતાની ઉંમરથી બમણી પ્રતિસ્પર્ધી સામે જીત મેળવ્યા પછી પોતાના આંસુ રોકી શકી નહીં. દિવ્યા સામે હારતા પહેલા હમ્પી અંત સુધી લડી.


  • Follow us on: