ટોક્યોના કોરાકુએન હોલમાં અલગ-અલગ મુકાબલામાં મગજની ઈજાને કારણે બે જાપાની બોક્સરોના મોત થયા. પહેલી ઘટના 2 ઓગસ્ટના રોજ બની હતી જ્યારે 28 વર્ષના શિગેતોશી કોટારી ઓરિએન્ટલ અને પેસિફિક બોક્સિંગ ફેડરેશનના જુનિયર લાઈટવેઈટ ચેમ્પિયન યામાતો હાટા સામે 12 રાઉન્ડનો ડ્રો પૂર્ણ કર્યા પછી તરત જ પડી ગયો હતો.
સબડ્યુરલ હેમેટોમા (મગજ અને ખોપરી વચ્ચે લોહી એકઠું થવાની સ્થિતિ) માટે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી પરંતુ શુક્રવારે તેનું મોત થયું હતું
પ્રોફેશનલ બોક્સિંગની સર્વોચ્ચ સંસ્થા વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઇઝેશન (WBO) એ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે "જાપાની બોક્સર શિગેતોશી કોટારીના દુ:ખદ મોત પર બોક્સિંગ જગત શોક વ્યક્ત કરે છે. તેઓ રિંગમાં એક યોદ્ધા હતા. તેમના પરિવાર અને જાપાનના બોક્સિંગ સમુદાય પ્રત્યે અમારી સંવેદના."
28 વર્ષના હિરોમાસા ઉરાકાવા થયું મોત
શનિવારે જાપાનના અન્ય એક બોક્સર 28 વર્ષના હિરોમાસા ઉરાકાવાનું યોજી સૈતો સામે નોકઆઉટ હાર દરમિયાન માથામાં ઈજા થવાથી મોત થયું. તેમનો જીવ બચાવવા માટે ક્રેનિયોટોમી કરવામાં આવી.
વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઇઝેશન (WBO) એ શનિવારે એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે "આ હૃદયદ્રાવક સમાચાર શિગેટોશી કોટારીના મોતના એક દિવસ પછી આવ્યા છે. ઉરાકાવાનું મોત તે જ સ્પર્ધા દરમિયાન થયેલી ઈજાઓને કારણે થયું હતું. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવારો, મિત્રો અને જાપાની બોક્સિંગ સમુદાય પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."