પુરુષોની 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ 5 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે અને આ પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદની સહ-માલિક કાવ્યા મારનના સન ગ્રુપની ટીમ નોર્ધન સુપરચાર્જર્સમાં બે પાકિસ્તાની ખેલાડીઓ - મોહમ્મદ આમિર અને ઇમાદ વસીમને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, ભારતીય રોકાણકારોની એન્ટ્રી બાદ શું પાકિસ્તાની ક્રિકેટરોને આ ટૂર્નામેન્ટમાંથી બહાર રાખવામાં આવશે? જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે અને ક્રિકેટ ફરી એકવાર રાજકીય તણાવથી ઉપર સાબિત થયું છે.


પાકિસ્તાનની ખેલાડીઓનો સમાવેશ

આમિર અને ઇમાદ વસીમને બેન ડ્વાર્શુઈસ અને મિશેલ સેન્ટનરના સ્થાને ટીમમાં લેટ રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભલે માર્ચના ડ્રાફ્ટમાં કોઈ પણ પાકિસ્તાની પુરુષ ખેલાડીને પસંદ કરવામાં ન આવ્યો હોય, પરંતુ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના પ્રમુખ રિચર્ડ ગોલ્ડે ખાતરી આપી હતી કે ખેલાડીઓની પસંદગીમાં ટીમ માલિકોની દખલગીરી નહીં હોય. સુપરચાર્જર્સની ટીમ આ વખતે વધુ આકર્ષક હશે, કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મેન્ટરની ભૂમિકામાં જોડાશે, જ્યારે ટીમની કેપ્ટનશીપ હેરી બ્રુક કરશે.

ક્રિકેટ ચાહકોમાં આતુરતા

'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના રિપ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. નોર્ધન સુપરચાર્જર્સ ઉપરાંત, અન્ય ઘણી ટીમોએ પણ ખેલાડીઓને રિપ્લેસ કર્યા છે. લંડન સ્પિરિટમાં જામી સ્મિથ અને ઓલી પોપના સ્થાને જ્હોન સિમ્પસન અને ડેન ડોથવેટનો સમાવેશ થયો છે. તેવી જ રીતે, માન્ચેસ્ટર ઓરિજિનલ્સની ટીમમાં રચિન રવિન્દ્રના સ્થાને માર્ક ચેપમેન, માર્ચન્ટ ડી લેન્ગના સ્થાને ફરહાન અહેમદ અને એલા મેકકોનના સ્થાને અમુરુથા સુરેનકુમારને સામેલ કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટ ક્રિકેટ ચાહકો માટે એક શાનદાર મનોરંજન પૂરું પાડવા માટે તૈયાર છે, જેનો ફાઇનલ મેચ 31 ઓગસ્ટે રમાશે.


  • Follow us on: