ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) માટે મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભારત ખાતે યોજાનારા T20 વર્લ્ડકપ 2026માં સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે બાંગ્લાદેશે પોતાની મેચ રમવાનું ટાળવાનું નક્કી કર્યું હતું.આ નિર્ણય બાદ ICCએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર રાખી તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કર્યું હતું. ત્યારથી ક્રિકેટ જગતમાં એવી ચર્ચા હતી કે ICC બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરી શકે છે. પરંતુ હવે ICCએ તમામ અટકળોને વિરામ આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પર કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ, સ્પોર્ટિંગ કે એડમિનિસ્ટ્રેટિવ સજા લાગુ કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ માટે મોટી રાહત સમાન છે.


ICCએ બાંગ્લાદેશને કોઈ સજા આપી નહીં

ICC દ્વારા જાહેર કરાયેલી મીડિયા રિલીઝ અનુસાર, લાહોરમાં ICC, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડવચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર T20 વર્લ્ડ કપ 2026 જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં ક્રિકેટના ભવિષ્ય, સુરક્ષા મુદ્દા અને સહકાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો સૌથી મોટો નિર્ણય એ રહ્યો કે બાંગ્લાદેશને 2028થી 2031 વચ્ચે કોઈ એક ICC ઇવેન્ટનું યજમાનપદ આપવામાં આવશે.નોંધનીય છે કે બાંગ્લાદેશ પહેલેથી જ ભારત સાથે મળીને 2031 ODI વર્લ્ડ કપનું યજમાન બનવાનું છે. તે પહેલા એક વધુ ICC ઇવેન્ટ મળવાથી બાંગ્લાદેશની ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા બંનેને ફાયદો થશે.

ICC ચીફનું નિવેદન

ICCના ચીફ એક્ઝિક્યુટિવ સંજોગ ગુપ્તાએ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે,ICC T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ગેરહાજરી નિરાશાજનક છે, પરંતુ બાંગ્લાદેશ પ્રત્યે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા યથાવત રહેશે. અમે BCB સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને કામ કરીશું જેથી દેશમાં ક્રિકેટ સતત વિકાસ થઇ શકે.”આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ICC માત્ર નિયમો નહીં પરંતુ સભ્ય દેશોની પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને પણ સમજીને નિર્ણય લે છે. બાંગ્લાદેશ માટે આ સમય મુશ્કેલ હતો, પરંતુ હવે તેને ભવિષ્યમાં ક્રિકેટના મોટા મંચ પર ફરીથી મજબૂત રીતે ઉભરવાની તક મળી છે.

આ પણ  વાંચો - T20 WC 2026માં સાઉથ આફ્રિકાએ કેનેડાને હરાવીને કરી મજબૂત શરૂઆત, જાણો કોણ છે જીતનો હીરો?


  • Follow us on: