IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈની કેપ્ટનશીપ કઈ હતી, પરંતુ ઈજાને કારણે તેને ટુર્નામેન્ટની વચ્ચે જ ટીમ છોડી દેવી પડી હતી, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી હતી. જોકે, તેમની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન વધારે સારૂ રહ્યું નહતું. હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું ધોની 2026ની સિઝનમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે?
ધોનીના નિવેદનથી ભારે ખળભળાટ મચી ગયો
મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે એક નિવેદન આપ્યું હતું, જેનાથી ફેન્સને કેપ્ટનશીપ અંગે ઉત્સુકતા વધી ગઈ હતી. ટીમની નબળી બેટિંગની ચર્ચા કરતી વખતે ધોનીએ કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ આગામી સિઝનમાં વાપસી કરશે. ધોનીએ કહ્યું, 'અમે અમારી બેટિંગ વિશે થોડા ચિંતિત છીએ, પરંતુ ઋતુરાજ ગાયકવાડના એન્ટ્રી થયા પછી તે પણ સુધરશે. ઋતુરાજ ગઈ સિઝનમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે વાપસી કરી રહ્યો છે. ધોનીના આ નિવેદનથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે કે શું ગાયકવાડની એન્ટ્રી પછી તે ફરીથી કેપ્ટનશીપ છોડી દેશે અને સ્ટાર ઓપનરને આ જવાબદારી સોંપશે.
IPL 2024માં ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2024ની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14માંથી 7 મેચ જીતી હતી, જ્યારે 7 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2025ની સીઝનમાં પણ ઋતુરાજ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન હતો. પરંતુ ટીમની 5 મેચ પછી તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને ટૂર્નામેન્ટની વચ્ચે જ તેને પોતાની ટીમ છોડવી પડી. આવી સ્થિતિમાં ધોનીએ ટીમની કમાન સંભાળવી પડી પરંતુ એવું લાગે છે કે ઋતુરાજ ફરીથી IPL 2026માં કમાન સંભાળશે.
IPL 2025માં CSKનું પ્રદર્શન કેવું રહ્યું?
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રદર્શનની વાત કરીએ તો ફ્રેન્ચાઈઝીએ 14માંથી માત્ર 4 મેચ જીતી હતી, જ્યારે તેમને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના બેટ્સમેનોની સાથે બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેઓ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે CSK ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક છે. તેઓએ આ ટુર્નામેન્ટની ટ્રોફી 5 વખત જીતી છે અને તેમની નજર હવે 2026ની ટ્રોફી પર પણ રહેશે.