• ગૌતમ ગંભીરે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીનું નામ જણાવ્યું
  • ગંભીરના મતે યુવરાજ સિંહ ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી
  • ગંભીરે કોહલી અને સચિન કરતા યુવરાજને વધુ સારો ગણાવ્યો

2011 વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ તે હજુ પણ પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ કડીમાં પૂર્વ ક્રિકેટરે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. ગંભીરને ભારતના અત્યાર સુધીને સૌથી મહાન બેટ્સમેનના રૂપે તેમની પસંદ અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં તેમણે એક આશ્ચર્યજનક નામ જણાવ્યું છે.

ગંભીરે આ દિગ્ગજની કરી પસંદગી

રેપિડ-ફાયર ક્વિઝમાં એક પ્રશ્ન પૂછાયા બાદ ગંભીરે ટીમના પૂર્વ સાથીને પોતાની પસંદ જણાવી છે. 2011 વર્લ્ડકપ વિજેતાને અત્યાર સુધીના મહાન બેટ્સમેનની પસંદગી કરવા કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન ગંભીરને સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર સીધો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ત્રણ ખેલાડીમાંથી એકની પણ પસંદગી કરવાને બદલે યુવરાજસિંહની પસંદગી કરી હતી.

યુવરાજે વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો

યુવરાજ અને ગંભીર ભારત માટે 2007 T-20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપમાં સ્ટાર હતા. યુવરાજ બંને ટૂર્નામેન્ટમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હતો અને યુવરાજે 2011 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. બીજી બાજુ ગંભીરે પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ બંને સ્પર્ધાની ફાઈનલમાં ક્રમશઃ 75 અને 97 રનની ઈનિંગ રમી હતી.

ગંભીરે પહેલાં પણ યુવરાજની કરી હતી પ્રશંસા

ગંભીર અવાર-નવાર યુવરાજની પ્રશંસા કરે છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ઝહીર ખાન અને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ સાથે યુવરાજને 2011 વર્લ્ડકપ જીત માટે પર્યાપ્ત શ્રેય આપવામાં આવ્યો નહતો.

આવું રહ્યું યુવરાજ સિંહનું કરિયર

યુવરાજ ભારત માટે 304 વનડે મેચ રમ્યો છે. જેમાં તેમણે 36.5ની એવરેજથી 8 હજાર 701 રન બનાવ્યા છે. જેમાં 14 સદી તેના નામે છે. આ સાથે જ યુવરાજે ભારત માટે વનડેમાં 111 વિકેટ પણ લીધી છે. યુવરાજ 58 T-20 મેચ પણ રમ્યો છે. જેમાં યુવરાજે 1 હજાર 117 રન બનાવવા સાથે 28 વિકેટ મેળવી છે. યુવરાજને ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય સફળતા મળી નથી. તેમણે 40 ટેસ્ટ મેચમાં 1 હજાર 900 રન બનાવ્યા છે. જેમાં 3 સદી સામેલ છે.


  • Follow us on: