- આજથી વનડે વર્લ્ડકપ 2023ની થઈ શરૂઆત
- ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ
- ભારતના 10 શહેરમાં તમામ મેચનું કરાયું આયોજન
વર્લ્ડકપ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ બંને ટીમ ગત વખતે ફાઈનલમાં આમને-સામને આવી હતી. ઈંગ્લેન્ડે આ મેચમાં ખિતાબ જીત્યો હતો. એક વખત ફરી આ બંને ટીમ આમને સામને આવી છે. વર્લ્ડકપમાં કુલ 48 મેચ રમવામાં આવશે, જે ભારતના 10 શહેરમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં 10 ટીમમાં 150 ખેલાડી ભાગ લેશે.
કયા શહેરમાં વર્લ્ડકપની મેચનું આયોજન કરાયું?
વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સાથે કુલ 10 મેદાન પર મેચ રમવામાં આવશે. જેમાં હૈદરાબાદનું રાજીવ ગાંધી સ્ટેડિયમ, ધર્મશાળાનું હિમાચલપ્રદેશ ક્રિકેટ એસોસિએશન, દિલ્લીનું અરૂણ જેટલી સ્ટેડિયમ, ચેન્નઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, લખનઉનું ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેઈ ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ, પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, બેંગ્લોરનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ અને કોલકાતાનું ઈડન ગાર્ડન સ્ટેડિયમ સામેલ છે.
150 ખેલાડી વર્લ્ડકપમાં લેશે ભાગ-
ICCએ વર્લ્ડકપ માટે દરેક ટીમને વધુમાં વધુ 15 ખેલાડીઓ રાખવાની પરવાનગી આપી છે. આ વખતે વર્લ્ડકપમાં ભારત સાથે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, નેધલેન્ડ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. સાથે સેમીફાઈનલ પહેલાં છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે 12 નવેમ્બરે રમવામાં આવશે.
વર્લ્ડકપ 2019માં કોણ જીત્યું હતું ખિતાબ?-
વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લંડનના લોર્ડસમાં રમવામાં આવી હતી. આ મેચ ડ્રો થઈ હતી. જેના કારણે સુપર ઓવર કરાવવામાં આવી હતી, પરંતુ સુપર ઓવર પણ ડ્રો થઈ હતી. જેથી બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ અંતર્ગત ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, ICCએ હવે બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને રદ કરી દીધો છે.
વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ અને ફાઈનલ ક્યાં રમાશે?
વર્લ્ડકપની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. સાથે પ્રથમ સેમીફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. જે બાદ બીજી સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમવામાં આવશે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે છે?
ભારત પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. આ મેચ ચેન્નઈમાં રમવામાં આવશે. જે બાદ ભારત અફઘાનિસ્તાન વચ્ચે 11 ઓક્ટોબરે મેચ રમાશે. સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.