- વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતીય ટીમનો દબદબો
- અનેક ટીમ ભારતને ક્યારેય હરાવી શકી નથી
- પાકિસ્તાન 7 વખત ભારત સામે હાર્યું
આ વખતે વનડે વર્લ્ડકપની 13મી સીઝન ભારતમાં રમાશે. ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલા 12 વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી. વનડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન 7 વખત સામસામે આવી ચૂકી છે. જેમાં દરેક વખતે ભારતે જીત મેળવી છે. પાકિસ્તાન ઉપરાંત અન્ય ઘણી એવી ટીમ છે. જે વર્લ્ડકપમાં ક્યારેય પણ ભારતીય ટીમને હરાવી શકી નથી.
9 ટીમ ભારતને હરાવી શકી નથી
પાકિસ્તાન ઉપરાંત કેન્યા, આયરલેન્ડ, UAE, નામીબિયા, અફઘાનિસ્તાન, બરમૂડા અને પૂર્વ આફ્રિકાની ટીમો વર્લ્ડકપમાં ભારતને હરાવી શકી નથી. વર્લ્ડકપમાં કુલ 9 એવી ટીમો છે જે ભારતને હરાવી શકી નથી. ભારત અને કેન્યા વચ્ચે ચાર વનડે વર્લ્ડકપ મેચ રમાઈ હતી. જેમાં ભારતે તમામ મેચ જીતી હતી.
આયરલેન્ડ અને નેધરલેન્ડની ટીમ 2-2 મેચ રમી
આ ઉપરાંત આયરલેન્ડ અને નેધરલેન્ડની ટીમ વનડે વર્લ્ડકપમાં 2-2 વખત ભારત સામે આવી હતી, પરંતુ ભારતને હરાવી શકી નથી. જ્યારે UAE, નામિબિયા, અફઘાનિસ્તાન, બરમૂડા અને પૂર્વ આફ્રિકા વનડે વર્લ્ડકપમાં ભારત સામે 1 મેચ રમી હતી. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.
વર્લ્ડકપમાં ભારતને ન હરાવી શકનારી ટીમ
| ટીમ | કેટલી મેચ રમાઈ? | કોની જીત થઈ? |
| ભારત VS પાકિસ્તાન | 7 | ભારત |
| ભારત VS કેન્યા | 4 | ભારત |
| ભારત VS આયરલેન્ડ | 2 | ભારત |
| ભારત VS નેધરલેન્ડ | 2 | ભારત |
| ભારત VS UAE | 1 | ભારત |
| ભારત VS નામિબિયા | 1 | ભારત |
| ભારત VS અફઘાનિસ્તાન | 1 | ભારત |
| ભારત VS બરમૂડા | 1 | ભારત |
| ભારત VS પૂર્વ આફ્રિકા | 1 | ભારત |
પાકિસ્તાન સામે સૌથી વધુ મેચ
ઉલ્લેખનીય છે કે, વનડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી વધુ 7 મેચ રમાઈ છે. બંને વચ્ચે પ્રથમ વર્લ્ડકપ મેચ 4 માર્ચ 1992ના રોજ રમાઈ હતી, જ્યારે છેલ્લી મેચ 2019 વર્લ્ડકપમાં રમવામાં આવી હતી. હવે 2023ની ટૂર્નામેન્ટમાં બંને ટીમો 14 ઓક્ટોબરે સામસામે આવશે.