• સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
  • લખનઉમાં બંને વચ્ચે રમાઈ રહી છે મેચ
  • ક્વિંટન ડી કોકે ફટકારી સતત બીજી સદી

ક્વિન્ટન ડી કોકે વનડે વર્લ્ડકપ 2023માં સતત બીજી સદી ફટકારી છે. સાઉથ આફ્રિકા ટૂર્નામેન્ટની બીજી મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા ક્વિંટવ ડી કોકે 8 ફોર અને 5 સિક્સની મદદથી 109 રનની ઈનિંગ રમી છે. ઉલ્લેખનીય છે કે, ડિકોક આ વર્ષે પોતાની અંતિમ વનડે વર્લ્ડકપ રમી રહ્યો છે.

હોમ ગ્રાઉન્ડમાં ડી કોકની સદી

ડી કોક IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ છે. જેના કારણે લખનઉનું એકાના સ્ટેડિયમ તેનું હોમ ગ્રાઉન્ડ છે. ડી કોકને IPLમાં વધુ તક મળી નહતી. તે 2023 IPLમાં માત્ર 4 મેચ રમ્યો હતો. આવી સ્થિતિમાં તેના હોમ ગ્રાઉન્ડ પર આ તેના માટે શાનદાર વાપસી છે. ડી કોકના છેલ્લા વર્લ્ડકપની વાત કરીએ તો 30 વર્ષીય ડી કોકે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે આ તેની છેલ્લી વનડે વર્લ્ડકપ હશે. તે T20 ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંગે છે. ડી કોક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.

શ્રીલંકા વિરુદ્ધ દિલ્હીમાં ફટકારી હતી સદી

સાઉથ આફ્રિકા વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ શ્રીલંકા વિરુદ્ધ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમ્યું હતું. આ મેચમાં સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ કરવા ઉતરેલી ડી કોકે 84 બોલમાં 100 રન બનાવ્યા હતા. જેમાં ડી કોકે 12 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની 102 રને જીત થઈ હતી.

અત્યાર સુધી આવું રહ્યું ડી કોકનું કરિયર

2013માં વનડેમાં ડેબ્યૂ કરનારા ક્વિન્ટન ડી કોકે અત્યાર સુધીમાં 146 વનડે મેચ રમી છે. આ મેચોમાં તેણે અત્યાર સુધીમાં 45.15ની એવરેજથી 6 હજાર 276 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 18 સદી અને 30 ફિફ્ટી ફટકારી છે.

  • Follow us on: