- સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ 5 મેચની વનડે સીરિઝ
- સાઉથ આફ્રિકાએ 3-2થી સીરિઝ પર કર્યો કબ્જો
- સાઉથ આફ્રિકાની 3 મેચમાં 100 રનના અંતરથી થઈ જીત
સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વનડે મેચની સીરિઝમાં 3-2થી હરાવ્યું છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સાઉથ આફ્રિકા સળંગ 3 વનડે મેચમાં 100 રન કરતાં વધુના અંતરથી જીતનારી પ્રથમ ટીમ બની છે. સાઉથ આફ્રિકાએ 5મી અને અંતિમ વનડે મેચમાં 122 રને જીત મેળવી છે. આ મેચ જોહાન્સબર્ગમાં રમવામાં આવી હતી. જેમાં હેનરિક ક્લાસેને સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.
શરૂઆતી 2 મેચમાં થઈ હતી હાર
સાઉથ આફ્રિકાની શરૂઆતી 2 મેચમાં હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેને પ્રથમ મેચમાં 3 વિકેટે અને બીજી મેચમાં 123 રને માત આપી હતી. જે બાદ સાઉથ આફ્રિકાએ સળંગ 3 મેચમાં જીત મેળવી છે. ટેમ્બા બાવુમાના નૈતૃત્વમાં રમનારી આફ્રિકી ટીમે સીરિઝની ત્રીજી મેચમાં 111 રને જીત મેળવી હતી. જે બાદ ચોથી મેચમાં 164 અને 5મી મેચમાં 122 રને જીત મેળવી છે.
5મી મેચમાં બનાવ્યા 315 રન
સાઉથ આફ્રિકાએ 5મી મેચમાં પહેલાં બેટિંગ કરીને 315 રન બનાવ્યા હતા. આ દરમિયાન એડિન માર્કરમે 93 રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેમણે 87 બોલમાંમ 9 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 193 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. આ દરમિયાન સાઉથ આફ્રિકા માટે માર્કો જાનેસને ખતરનાક બોલિંગ કરી હતી. તેમણે 8 ઓવરમાં 39 રન આપીને 5 વિકેટ લીધી હતી.
કેશવ મહારાજે સૌથી વધુ વિકેટ લીધી
સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝમાં સૌથી વધુ રન માર્નસ લાબુશેને બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 5 મેચમાં 283 રન બનાવ્યા છે. આ મામલે ક્લાસેન બીજા નંબર પર છે. ક્લાસેને 5 મેચમાં 243 રન બનાવ્યા છે. આ યાદીમાં 225 રન સાથે માર્કરમ ત્રીજા નંબરે આવે છે. સાથે કેશવ મહારાજે સીરિઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેમણે 4 મેચમાં 8 વિકેટ અને એડમ જામ્પાએ પણ 8 વિકેટ લીધી છે.