- સાઉથ આફ્રિકાએ બીજા-સ્તરની ટેસ્ટ ટીમની જાહેરાત કરી
- સ્ટીવ વોએ ક્રિકેટ સાઉથ આફ્રિકાની આ હરકત 'શરમજનક' ગણાવી
- 'આ ટેસ્ટ ક્રિકેટના મૃત્યુની નિર્ણાયક ક્ષણ’: વો
ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની બે મેચની શ્રેણી માટે તેની બીજા સ્તરની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે, જેમાં નવા કેપ્ટન સહિત સાત અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ વો આ મુદ્દે ખૂબ ગુસ્સે થયા હતા. ઉલ્લેખનિય છેકે વોની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ 1999માં વર્લ્ડ કપ જીત્યો હતો.
આ હરકત શરમજમક
વોએ ક્રિકેટ સાઉથ આફ્રિકાની આ હરકત 'શરમજનક' ગણાવી છે. વોએ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને BCCI સહિતના ટોચના ક્રિકેટ બોર્ડને આ મામલે આગળ આવવા અને ટેસ્ટ ક્રિકેટને બચાવવા વિનંતી કરી છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકાએ આગામી મહિને ન્યુઝીલેન્ડ સામેની બે મેચની શ્રેણી માટે બીજા સ્તરની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી, જેમાં નવા કેપ્ટન સહિત સાત અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
દક્ષિણ આફ્રિકાની ટીમનુ શિડ્યુલ
દક્ષિણ આફ્રિકાના ટોચના ખેલાડીઓમાંથી મોટાભાગના ખેલાડીઓ હાલમાં ભારત સામે ઘરઆંગણે બે મેચોની શ્રેણીનો ભાગ છે. તેમાંથી ઘણાને ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા શરૂ કરવામાં આવેલી દેશની પોતાની ફ્રેન્ચાઈઝી આધારિત ટી20 લીગ SA20ની બીજી સિઝનમાં રમવા માટે સાઈન કરવામાં આવ્યા છે. આ લીગ ગયા વર્ષે શરૂ થઈ હતી.
આ કારણે નબળી ટીમ કરાઇ પસંદ
હવે લીગ મેચોની તારીખો અને ન્યુઝીલેન્ડ પ્રવાસની તારીખો એકબીજા સાથે ટકરાઈ રહી છે. CSA નિયમોના આધારે, જે ખેલાડીઓ SA20 ફ્રેન્ચાઇઝીસ સાથે કરાર હેઠળ છે તેઓ ટેસ્ટ માટે પસંદગી માટે લાયક નથી, તેથી બોર્ડે નબળી ટીમ પસંદ કરવી પડી હતી. હવે આ આખા મુદ્દા પર વો ગુસ્સે થઈ ગયો, તેણે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું, 'સ્વાભાવિક રીતે, તેને કોઈ પરવા નથી. જો હું ન્યુઝીલેન્ડમાં હોત તો હું શ્રેણી પણ રમી શકત નહીં. મને ખબર નથી કે તેઓ શા માટે રમે છે. આ ન્યુઝીલેન્ડ ક્રિકેટ પ્રત્યે આદરની કમી દર્શાવે છે.
'બ્રેડમેન અને ગ્રેસની પરંપરા અપ્રાસંગિક બની જશે'
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ આ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે સૌપ્રથમ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર લીધો હતો. વોને ડર હતો કે ડોન બ્રેડમેન અને ડબલ્યુજી ગ્રેસ જેવા મહાન ખેલાડીઓનો વારસો, જેણે રમતને ગૌરવ અપાવ્યું હતું, તે ટૂંક સમયમાં અપ્રાસંગિક બની જશે. વોએ આ પોસ્ટમાં લખ્યું હતું, 'શું આ ટેસ્ટ ક્રિકેટના મૃત્યુની નિર્ણાયક ક્ષણ છે? ચોક્કસપણે ICC એ ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની સાથે ક્રિકેટના શુદ્ધ સ્વરૂપને બચાવવા માટે પગલાં લેવા જોઈએ. ઇતિહાસ અને પરંપરા પણ મહત્વ ધરાવે છે.
'ટેસ્ટ ક્રિકેટ માટે કોઈ ફી રેગ્યુલેશન કેમ નથી?'
વોએ કહ્યું કે જો ICC અથવા અન્ય કોઈ ટેસ્ટ ક્રિકેટના હિતમાં જલ્દી કોઈ પગલાં નહીં લે તો સમજી લેજો કે તમે શ્રેષ્ઠ ખેલાડીઓ સામે તમારી જાતનું પરીક્ષણ નથી કરી રહ્યા. હું જાણું છું કે શા માટે ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમવા નથી આવતા, કારણ કે તેમને યોગ્ય પગાર નથી મળતો. મને સમજાતું નથી કે ICC અથવા ટોચના દેશો, જેઓ ખૂબ પૈસા કમાઈ રહ્યા છે, તેમની પાસે ટેસ્ટ મેચો માટે ફી રેગ્યુલેશન કેમ નથી. આ કારણોસર ખેલાડીઓ T10 અથવા T20 રમી રહ્યા છે.
વોએ વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની પણ ટીકા કરી હતી
વો અહીં જ ન અટક્યો અને કહ્યું કે તે માત્ર દક્ષિણ આફ્રિકા જ નથી, વોએ તો એ તરફ પણ ધ્યાન દોર્યું કે પાકિસ્તાન કે વેસ્ટ ઈન્ડિઝે તેમની સંપૂર્ણ તાકાતની ટીમો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી માટે મોકલી નથી, તેને ડર છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે. આ ખૂબ જ સ્પષ્ટ છે કે સમસ્યા શું છે. વેસ્ટ ઈન્ડિઝ તેમની સંપૂર્ણ તાકાતની ટીમ ઓસ્ટ્રેલિયામાં મોકલી રહ્યું નથી. તેણે છેલ્લા કેટલાક સમયથી સંપૂર્ણ તાકાતની ટેસ્ટ ટીમ પસંદ કરી નથી. નિકોલસ પૂરન જેવો કોઈ વ્યક્તિ ખરેખર ટેસ્ટ બેટ્સમેન છે, તે ટેસ્ટ ક્રિકેટ નથી રમતો. જેસન હોલ્ડર કદાચ તેમનો શ્રેષ્ઠ ખેલાડી છે, તે હવે રમી રહ્યો નથી. પાકિસ્તાને પણ આખી ટીમ ઓસ્ટ્રેલિયા મોકલી નથી.













