- રોહિત ફરીથી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન
- હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત
- ઈજાના કારણે IPL 2024માંથી થઈ શકે છે બહાર
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના નિર્ણયોથી ફેન્સને ઘણી વખત ચોંકાવી દીધા છે. હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કરીને ટીમમાં પાછો સામેલ કર્યો હતો. આ પછી ટીમે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને અને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવીને ફેન્સને મોટો ઝટકો આપ્યો હતો. જે બાદ ફેન્સ પણ મુંબઈ ઈન્ડિયન્સ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવાના સમીકરણો રચાઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સના ચહેરા પર ચમક આવી ગઈ.
રોહિત ફરીથી બનશે MIનો કેપ્ટન
રોહિત શર્મા IPL ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તેની કેપ્ટન્સીમાં રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 વખત ખિતાબ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના મોટાભાગના ચાહકો પણ રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે જોવા ઈચ્છે છે. હવે ફરી એકવાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે. રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવાનું કારણ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ઈજા છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યાને IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત છે અને તે પણ ટીમ ઈન્ડિયાની બહાર છે.
બીજી તરફ હાર્દિકના આઉટ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના બીજા કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ પહેલી પસંદ છે. સૂર્યકુમાર યાદવ પણ ઈજાગ્રસ્ત છે. સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી સૂર્યા ટીમ ઈન્ડિયાની બહાર છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2023ના અંતમાં ઓસ્ટ્રેલિયાને T20 સિરીઝમાં હરાવ્યું હતું, ત્યારબાદ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
IPL 2024માંથી થઈ શકે છે બહાર
હવે આ બંને ખેલાડીઓની વાપસી અંગે કોઈ અપડેટ નથી. હાર્દિક અને સૂર્યા અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી યોજાનારી T20 સિરીઝમાંથી પણ બહાર થઈ જશે. આવી સ્થિતિમાં એવી માહિતી સામે આવી રહી છે કે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ IPL 2024માંથી બહાર થઈ શકે છે. જો આમ થશે તો ફરી એકવાર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.