• પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની જીત
  • અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
  • અફઘાનની જીતમાં અજય જાડેજાનો રોલ મહત્વનો

વર્લ્ડકપ 2023માં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ બાદ પાકિસ્તાની ટીમને પણ હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. આ મેચમાં અફઘાનિસ્તાની ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું છે. અફઘાનિસ્તાનની આ જીતનો શ્રેય એક ગુજરાતીને જાય છે. જેનું નામ અજય જાડેજા છે.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના આ પ્રદર્શન પાછળ ટીમના ખેલાડીઓની મહેનત છે, પરંતુ આ જીત માટે અન્ય કેટલાક લોકોની પણ ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં બે નામ સામે આવી રહ્યા છે. જે અફઘાનિસ્તાનના કોચ અને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી જૉનાથન ટ્રોટ અને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા છે. અજય જાડેજા અફઘાનિસ્તાનની ટીમના મેન્ટર અને માર્ગદર્શકની જવાબદારી નિભાવે છે.

અફઘાનિસ્તાનની ટીમના મેન્ટર અજય જાડેજા

વર્લ્ડકપ શરૂ થયા પહેલાં અજય જાડેજાને અફઘાનિસ્તાનની ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મેન્ટરનો રોલ ઘણી વખત વખત કોચ કરતાં પણ વધુ અગત્યનો માનવામાં આવે છે. કારણ કે, તે દરેક ખેલાડી સાથે વ્યક્તિગત ધોરણે કામ કરે છે. રમતનાં દરેક પાસાં સાથે મેન્ટર ખેલાડીઓને માનસિકરીતે તૈયાર કરવાનું પણ કામ કરે છે. જેથી પાકિસ્તાનને મળેલી હાર પાછળ અજય જાડેજાની મહત્વની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ અફઘાનિસ્તાનની આ જીત પાછળ અજય જાડેજાનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હોવાનું નિવેદન આપ્યું હતું.

અજય જાડેજાનું કરિયર

 જામનગરમાં જન્મેલા અજય જાડેજા 1992થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડી રહ્યા હતા. તેમણે ઘણીવાર ભારતીય ટીમનું નૈતૃત્વ પણ કર્યું હતું. ભારત માટે અજય જાડેજા 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમ્યા છે. વનડેમાં અજય જાડેજાએ 6 સદી અને 30 ફિફ્ટી ફટકારી હતી. સાથે અજય જાડેજાએ 20 વિકેટ પણ પોતાના નામે કરી છે. અજય જાડેજાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઘણા સમય સુધી કોમેન્ટ્રી કરવાનું પણ કામ કર્યું છે.

  • Follow us on: