- અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
- અફઘાનિસ્તાનની જીતને ઠેર-ઠેર ઉજવણી
- ઈરફાન પઠાણે રાશિદ ખાન સાથે કર્યો ડાન્સ
વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાનની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ટીમે પહેલાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો, હવે પાકિસ્તાનને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. આ જીત બાદ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. આ મેચ પહેલાં તે છેલ્લે એટલે કે 10માં સ્થાને હતી. હવે અફઘાનિસ્તાનના 5 મેચમાં 4 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું છે. જ્યારે તેને બાંગ્લાદેશ, ભારત અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ કરી ઉજવણી
પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાન ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના ફેન્સ પણ ખુશીથી ઉછળી પડ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અફઘાન ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે રાશિદ ખાન સાથે ઉજવણી કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈરફાન પઠાણે કેમ ડાન્સ કર્યો?
રાશિદ ખાને ઈરફાન પઠાણ પાસે ડાન્સ કરવાની માંગણી કરી હતી અને પઠાણે કહ્યું હતું કે જીત બાદ હું ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીશ. પાકિસ્તાનની ટીમને અફઘાનિસ્તાને 8 વિકેટે હરાવ્યા બાદ ઈરફાન પઠાણે પોતાનું આપેલુ વચન પૂર્ણ કર્યુ છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈરફાન પઠાણે લખ્યું છે કે, રાશિદ ખાને પોતાનું વચન પૂર્ણ કર્યું અને મે મારૂં વચન પૂર્ણ કર્યું છે
પાકિસ્તાન ટીમની સતત ત્રીજી હાર
બાબર આઝમની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમની વાત કરીએ તોઆ ટીમને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, પાકિસ્તાને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત શાનદાર કરી હતી. આ ટીમે પહેલા નેધરલેન્ડને હરાવ્યું હતું. જે બાદ શ્રીલંકાને હરાવ્યું હતું, પરંતુ તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો નહીં. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું છે. હવે પાકિસ્તાનના 5 મેચમાં 4 પોઈન્ટ છે. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.