- ભારતમાં પાકિસ્તાનની સતત બીજી હાર
- બંને પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનની થઈ હાર
- ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 14 રને હરાવ્યું
વનડે વર્લ્ડકપ 2023 પહેલાં પાકિસ્તાનની ટીમને ઝટકો લાગ્યો છે. સતત બીજી વોર્મઅપ મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 14 રને હરાવ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 351 રન બનાવ્યા હતા. જેથી પાકિસ્તાનને જીત માટે 352 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 337 રન પર ઓલઆઉટ થઈ છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 351 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ 71 બોલમાં 77 રન ગ્લેન મેક્સવેલે કર્યા હતા. જે બાદ કેમરુમ ગ્રીને 40 બોલમાં 50 અને જોશ ઈંગ્લિશે 30 બોલમાં 48 રન કર્યા હતા. આ ઉપરાંત ડેવિડ વોર્નરે 33 બોલમાં 48 અને માર્નસ લાબુશેને 31 બોલમાં 40 રન કર્યા હતા. પાકિસ્તાન માટે સૌથી વધુ 2 વિકેટ ઉસામા મિરે લીધી હતી. ઉસામાએ 5 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત હારિસ રાઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર અને મોહમ્મદ નવાઝે 1-1 વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ઈનિંગ
352 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 337 રન પર ઓલઆઉટ થઈ હતી. પાકિસ્તાન માટે સૌથી વધુ 59 બોલમાં 90 રન બાબર આઝમે કર્યા હતા. આ ઉપરાંત ઈફ્તિખાર અહમદે 85 બોલમાં 83, મોહમ્મદ નવાઝે 42 બોલમાં 50 અને ફખર જમાને 24 બોલમાં 22 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 3 વિકેટ માર્નસ લાબુશેને લીધી હતી. આ ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને મિચેલ માર્શે 2-2 વિકેટ અને ગ્લેન મેક્સવેલ તથા સિએ એબોટે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ મેચમાં પાકિસ્તાનની થઈ હતી હાર
ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચ પહેલાં પાકિસ્તાનનો પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો થયો હતો અને આ મેચમાં બાબર આઝમે કેપ્ટનશીપ કરી હતી. બાબર આઝમે આ મેચમાં 80 રનની ઇનિંગ રમી હતી અને તે સદી ચૂકી ગયો હતો. જો કે આ મેચમાં પાકિસ્તાનની ટીમને મોટો સ્કોર બનાવવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ મેચમાં પાકિસ્તાનની બોલિંગ નબળી જોવા મળી હતી.