• પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • પાકિસ્તાનનો કેપ્ટન પ્રથમ મેચમાં ફ્લોપ
  • લોકોએ સોશિયલ મીડિયા પર બાબર આઝમને કર્યો ટ્રોલ

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. બાબર આઝમની ટીમ પ્રથમ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ બેટિંગ કરવા ઉતરી હતી. આ મેચમાં નેધરલેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમે શરૂઆતી 9.1 ઓવરમાં માત્ર 38 રન પર 3 વિકેટ ગુમાવી હતી. જેમાં કેપ્ટન બાબર આઝમની વિકેટ પણ સામેલ છે. નેધરલેન્ડના કોલિન એકરમેને બાબર આઝમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઈનિંગમાં બાબર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. બાબરે 18 બોલ પર માત્ર 5 રન બનાવ્યા હતા.

બાબર ટ્રોલર્સના નિશાને આવ્યો

ક્રિકેટના મહાકુંભમાં ખરાબ શરૂઆત બાદ સોશિયલ મીડિયા પર પણ બાબર ટ્રોલર્સના નિશાને આવ્યો છે. બાબરને લઈ સોશિયલ મીડિયા પર અનેક મજાકીયા મિમ્સ બનવા લાગ્યા છે. જો કે, આ શરૂઆત બાદ પાકિસ્તાનની ઈનિંગને મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીને સંભાળી હતી, પરંતુ બાબર આઝમ પોતાની ધીમી બેટિંગ અને ફ્લોપ શો બાદ ચર્ચાનો વિષય બન્યો છે.


બાબર આઝમ પર ફેન્સના રિએક્શન

બાબરને લઈ સોશિયલ મીડિયા પર ફેન્સના અલગ-અલગ રિએક્શન વાયરલ થયા છે. વારંવાર વિરાટ અને બાબરની સરખામણી થાય છે, ત્યારે બાબરની ખરાબ ઈનિંગ બાદ વિરાટ કોહલીના ફેન્સ પણ એક્ટિવ થયા છે અને બાબરને ટ્રોલ કરી રહ્યા છે. વિરાટના ફેન્સ કહી રહ્યા છે કે, બાબર ક્યારેય પણ વિરાટ કોહલી જેવો બની શકે નહીં. જ્યારે અન્ય એક યૂઝર્સે બાબર પર કટાક્ષ કરીને લખ્યું કે, બાબર નબળી ટીમ સામે રન બનાવતો નથી.


બાબર આઝમનો વનડે વર્લ્ડકપ રેકોર્ડ

બાબર આઝમની આ બીજી વનડે વર્લ્ડકપ છે. વર્ષ 2019માં બાબર આઝમ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ રમ્યો હતો. આ દરમિયાન બાબરે 8 ઈનિંગમાં 474 રન બનાવ્યા હતા, પરંતુ 2023ની પ્રથમ મેચમાં બાબર ફ્લોપ થયો છે. તેમના નામે અત્યાર સુધી વનડે વર્લ્ડકપની 9 મેચની 9 ઈનિંગમાં 479 રન છે. તેમણે આ ટૂર્નામેન્ટમાં 1 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે.

  • Follow us on: