• બાબર આઝમે T20I ક્રિકેટમાં સિદ્ધિ હાંસલ કરી
  • T20I ફોર્મેટમાં સૌથી વધુ ફોર મારનારો બેટ્સમેન
  • બાબર આઝમે 107 ઇનિંગ્સમાં 409 ફોર ફટકારી

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ફોર્મેટમાં સૌથી વધુ ફોર મારનારો બેટ્સમેન બની ગયો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી T20 મેચ દરમિયાન કેપ્ટન બાબર આઝમે 44 બોલમાં 69 રનની જોરદાર ઈનિંગ રમી હતી, જેના કારણે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ફોર મારવાનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો.

બાબર આઝમે ખાસ સિદ્ધિ હાંસલ કરી

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર ફટકારી હતી. બાબર આઝમે 107 ઇનિંગ્સમાં 409 ફોર ફટકારી છે. બાબરે આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 136 ઇનિંગ્સમાં 407 ફોર ફટકારી હતી. બાબર અને સ્ટર્લિંગ એવા બે ખેલાડીઓ છે જેઓ પુરુષોની T20I ક્રિકેટના ઇતિહાસમાં 400નો આંકડો પાર કરવામાં સફળ રહ્યા છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 109 ઇનિંગ્સમાં 361 ફોર ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ 143 ઇનિંગમાં 359 ફોર ફટકારી છે.

મેચની સ્થિતિ

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ સિવાય ફખર ઝમાને 33 બોલમાં 43 અને ઉસ્માન ખાને 24 બોલમાં 31 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડને જીતવા માટે 179 રનની જરૂર હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 19.2 ઓવરમાં 169 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સેફર્ટે 33 બોલમાં 52 રન અને જોશ ક્લાર્કસને 26 બોલમાં 38 રન બનાવ્યા હતા. કેપ્ટન માઈકલ બ્રેસવેલે 21 બોલમાં 23 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ લીધી હતી.


  • Follow us on: