- પાકિસ્તાનની ટીમ વધુ એક મુશ્કેલીમાં ફસાઈ
- તમામ ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
- પાકિસ્તાનની ટીમ પર પ્રતિબંધ મુકવાની માંગ
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ટીમ સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેને પ્રથમ બે મેચમાં અમેરિકા અને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેનેડા સામે પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ આ મેચમાં પણ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. હવે પાકિસ્તાન પોતાની છેલ્લી લીગ મેચ આયર્લેન્ડ સામે રમવાની છે.
વરસાદના ડર વચ્ચે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની ચિંતામાં હતી, પરંતુ હવે બાબર આઝમની ટીમ પર નવી મુશ્કેલી આવી ગઈ છે. પાકિસ્તાનના એક વકીલે કોચ અને અન્ય સ્ટાફ સહિત તમામ ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. વકીલે સમગ્ર ટીમ પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.
શું પાકિસ્તાનની ટીમ પર લાગશે પ્રતિબંધ
પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરના એક વકીલે બાબર આઝમ અને અન્ય ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહની અરજી દાખલ કરી છે. તેમાં ટીમના ખેલાડીઓ અને કોચ અને અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે. વકીલે સમગ્ર ટીમ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. એક અહેવાલ અનુસાર, વકીલે અરજીમાં કહ્યું છે કે તે અમેરિકા અને ભારત સામેની હારથી ખૂબ જ દુઃખી છે. વકીલે કેપ્ટન બાબર આઝમની ટીમ પર દેશનું ગૌરવ દાવ પર લગાવીને છેતરપિંડીથી પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. વકીલે આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. રિપોર્ટ અનુસાર આ પિટિશન પણ મંજૂર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પર હવે જેલ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
પ્રથમ બે મેચમાં કારમી હાર
પાકિસ્તાને T20 વર્લ્ડકપના અભિયાનની શરૂઆત અમેરિકા સામે કરી હતી. બાબર આઝમની ટીમને તેની શરૂઆતની મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. ટેક્સાસના ડલ્લાસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને અમેરિકાએ 159 રન બનાવીને ટાઈ કરી દીધો હતો. ત્યારબાદ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ન્યુયોર્કમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન ભારત સામે જીતેલી મેચ 6 રનથી હારી ગયું હતું. ત્યારથી, ભૂતપૂર્વ ક્રિકેટરો સહિત ઘણા પાકિસ્તાની ચાહકો તેમની ટીમથી ખૂબ નારાજ છે.